બેંગલુરુ: પ્રો કબડ્ડી લીગ સીઝન 12 માટે તેમની પ્રી-સીઝન તૈયારીઓના ભાગ રૂપે, અદાણી સ્પોર્ટ્સલાઈન-માલિકીની ગુજરાત જાયન્ટ્સ ટીમે બેંગલુરુમાં SAI સેન્ટર ખાતે ભારતીય પુરુષ હોકી ટીમ સાથે ખાસ વાતચીત કરી.
ગુજરાત જાયન્ટ્સના ખેલાડીઓ, હિમાંશુ જગલાન, રાકેશ, પ્રતિક દહિયા, નીતિન પવાર અને વી. અજીત કુમારે મુખ્ય કોચ જયવીર શર્મા, સહાયક કોચ વરિન્દર સિંહ સંધુ અને ફિટનેસ ટ્રેનર અભિષેક પરિહાર સાથે, નેશનલ હોકી ટીમ સાથે વાતચીત કરીને તેમનામાંથી પ્રેરણા લીધી. બંન્ને ટીમોએ એકબીજાની રમત પર હાથ પણ અજમાવ્યો
ક્રોસ-લર્નિંગ અનુભવમાં, ખેલાડીઓ અને કોચે હોકી અને કબડ્ડીની બે અલગ રમતોમાં ખેલાડીઓની શારીરિક અને વ્યૂહાત્મક જરૂરિયાતો પર વાત કરી. ખેલાડીઓની તાકાત, ગતિ, ચપળતા અને વ્યૂહાત્મક જાગૃતિ અંગે ચર્ચા કરી. ઈજા નિવારણ અને એક રમતની તાલીમ પદ્ધતિઓ બીજી રમતમાં કેવી રીતે પ્રદર્શનમાં લાભ આપી શકે તેના પર પણ ચર્ચા કરી.
બંને ટીમો હાલમાં તેમના આગામી પડકારો પર કામ કરી રહી છે. ભારતીય પુરૂષ હોકી ટીમ તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને એશિયા કપ માટે, જ્યારે ગુજરાત જાયન્ટ્સ નવી પી.કે.એલ. સીઝન માટે તૈયારી કરી રહી છે. બંન્ને ટીમોએ એકબીજાને પોતાની ટીમની જર્સી આપીને આ મુલાકાતને યાદગાર બનાવી.
