પ્રો-કબડ્ડી લીગ: ગુજરાત જાયન્ટ્સે નવી જર્સી લોન્ચ કરી

અમદાવાદ: અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે મંગળવારે પ્રો-કબડ્ડી લીગ (PKL)ના સ્ટાર ખેલાડી મોહમ્મદ રેઝા શાદલૂને ટીમનો કેપ્ટન જાહેર કર્યો. આ સાથે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની નવી જર્સી પણ લોન્ચ કરી હતી.પ્રો-કબડ્ડી લીગની 12મી સીઝનનો પ્રારંભ 29 ઑગસ્ટથી વાઈઝેગ (વિશાખાપટ્ટનમ) ખાતે થઈ રહ્યો છે. જ્યારે ગુજરાત જાયન્ટ્સની ટીમ બીજા દિવસે 30 ઑગસ્ટના રોજ રાજીવ ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યુ મુમ્બા વિરુદ્ધ પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ટીમ પોતાના ટાઈટલ જીતવાના ટાર્ગેટ પર ફોક્સ કરતા લીગ રાઉન્ડમાં 18 મુકાબલા રમશે.

કેપ્ટનના નામની જાહેરાત અને જર્સી લોન્ચની આ ઇવેન્ટમાં ટીમના હેડ કોચ જયવીર શર્મા, આસિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુ અને અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઑફિસર સંજય આદેશરા હાજર હતા.

ઈરાના ખેલાડી શાદલૂને 2.23 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. આ વર્ષની પ્રો-કબડ્ડી લીગના ઓક્શનમાં ગુજરાત જાયન્ટ્સ ટીમે 2.23 કરોડ રૂપિયામાં ઈરાનીયન પાવરહાઉસ તરીકે જાણીતા મોહમ્મદરેઝા શાદલૂને ટીમમાં સામેલ કર્યો હતો, જે આ વર્ષની હરાજીની હાઈએસ્ટ બીડ પણ રહ્યો હતો. 2 વખતના પ્રો-કબડ્ડી લીગ ટાઈટલ વિજેતા, ગત વખતે મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર (MVP) અને ઘણીવાર શ્રેષ્ઠ ડિફેન્ડર રહેલ મોહમ્મદરેઝા શાદલૂ ટીમમાં સર્વશ્રેષ્ઠ ડિફેન્સિવ પાવર અને સિદ્ધ થયેલ નેતૃત્ત્વ ક્ષમતાને ઉમેરવાનું કામ કરે છે.કેપ્ટન શાદલૂએ કહ્યું- અમારું બેસ્ટ પરફોર્મન્સ આપીશું ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટન બનવા મુદ્દે શાદલૂ એ કહ્યું કે, “લીગની 12મી સીઝનમાં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશીપ કરવાની તક મેળવી ગર્વ અનુભવી રહ્યો છું. અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ 20થી ઓછા કે તે સમાન વયના છે. અમારી પાસે યુવા, ઊર્જાથી ભરપૂર અને ગતિશીલ યુનિટ છે. અમે આ સીઝનમાં રમવા ઉત્સુક છીએ. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું.”

હેડ કોચે કહ્યું- ટીમની તૈયારી સારી છે 3 દાયકાથી પણ વધુ સમયનો કબડ્ડી કોચિંગનો અનુભવ ધરાવતા ગુજરાત જાયન્ટ્સના હેડ કોચ જયવીર શર્માએ આ મુદ્દે કહ્યું કે, “હું ઉત્સુક છું અને ખેલાડીઓની જેમ નર્વસ પણ. કારણ કે આ મારી પ્રથમ પ્રો-કબડ્ડી લીગ સીઝન છે. અમે પ્રી-સીઝન કેમ્પમાં બેંગલુરુ ખાતે સારી તૈયારી કરી છે.”આસિસ્ટન્ટ કોચ વરિન્દર સિંઘ સંધુએ કહ્યું કે,”અમે બેંગ્લુરુમાં આકરી ટ્રેનિંગ કરી પ્રો-કબડ્ડી લીગની 12મી સીઝનની તૈયારીઓને પૂર્ણ કરી છે. આ મારું લીગમાં ડેબ્યૂ પણ રહેશે. અમારું ફોક્સ સંપૂર્ણ સિઝન દરમિયાન મજબૂત પ્રદર્શન કરતા રહેવાનો છે.”

અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઑફિસર સંજય આદેશરા એ કહ્યું કે, “અમારી અપેક્ષા સ્પષ્ટ છે કે ગુજરાત જાયન્ટ્સ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપતા ગુજરાત અને સમગ્ર ભારતમાં રહેલા ટીમના ફેન્સને વૈશ્વિક સ્તરીય કબડ્ડીનો અનુભવ કરાવે. અમે હંમેશા પ્રતિભાને ઉત્કૃષ્ટ બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાની અમારી ફિલોસોફીને લાગુ કરતા રહ્યાં છીએ. અમારી આ સીઝનની ટીમની યુવા સરેરાશ વય તેને પ્રતિબિંબિત કરે છે. અમારા કોચના સફળ ટ્રેક રેકોર્ડ સાથે અમારા ઉદ્દેશ્યો સ્પષ્ટ છે, અને ટીમ આ સીઝનમાં શાનદાર પ્રદર્શન માટે તૈયાર છે.”