રાજ્ય સરકારની આદિજાતિ ખેડૂતો માટે રવિ પાકના બિયારણ-ખાતરની સહાય જાહેર

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના આદિજાતિ ખેડૂતોના ઉત્થાન અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જનજાતિય કલ્યાણ યોજના અંતર્ગત ‘કૃષિ વૈવિધ્યકરણ યોજના’ (Agricultural Diversification Scheme)નો વ્યાપ વધારીને હવે ખરીફ ઋતુની જેમ રવિ ઋતુ (Rabi Season) માટે પણ આદિજાતિ ખેડૂતોને બિયારણ અને ખાતરની કિટ આપવામાં આવશે.

ચાલુ વર્ષે (2026-27) આ યોજના હેઠળ રાજ્યના અંદાજે 48,190 આદિજાતિ ખેડૂતોને લાભ પૂરો પાડવામાં આવશે. આ સહાય અંતર્ગત ખેડૂતોને ઘઉં, ચણા, મકાઈ તેમજ વિવિધ શાકભાજીના ગુણવત્તાયુક્ત બિયારણો અને જરૂરી ખાતરની કિટ્સ વિનામૂલ્યે અથવા રાહત દરે આપવામાં આવી રહી છે, જેથી ખેતીનો પ્રારંભિક ખર્ચ ઘટી શકે અને ઉત્પાદકતામાં વધારો થાય.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2012થી આદિજાતિ ખેડૂતો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી આ યોજના હેઠળ આશરે 15.70 લાખ આદિજાતિ ખેડૂતો લાભ મેળવી ચૂક્યા છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઓનલાઈન પોર્ટલની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતો સરળતાથી ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળે.