માત્ર ₹5400 માં ઘર બેઠા સોલાર! ગુજરાત સરકારની સબસિડી જાહેરાત

વીજળીના વધતા જતા બિલથી ચિંતિત મધ્યમવર્ગીય પરિવારો માટે ગુજરાત સરકારે એક અત્યંત રાહતરૂપ અને દિશા બદલી નાખનારું પગલું ભર્યું છે. રાજ્ય મંત્રીમંડળની તાજેતરની બેઠકમાં લેવાયેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય અનુસાર, હવે નાગરિકો અત્યંત નજીવા ખર્ચે પોતાના ઘરની છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નિલ પ્રોજેક્ટ એવા ‘PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકારે હવે પોતાની તરફથી વધારાની વિશેષ સબસિડી આપવાની ઘોષણા કરી છે. આ નવા નિર્ણયથી સોલાર પ્લાન્ટ લગાવવાનો પ્રારંભિક ખર્ચ જે અનેક પરિવારો માટે મોટો પડકાર બનતો હતો, તે હવે નામિનલ થઈ ગયો છે. રાજ્ય સરકારની આ મહત્ત્વાકાંક્ષી યોજના પાછળ અંદાજે 1,000 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે, જેનાથી સીધી રીતે 3 લાખથી વધુ પરિવારોને ફાયદો થવાની અપેક્ષા છે.

હવે કેટલો ખર્ચ થશે?

સરકાર દ્વારા નક્કી કરાયેલા બેન્ચમાર્ક કોસ્ટ મુજબ હવે ગ્રાહકોએ માત્ર નજીકનો હિસ્સો જ ચૂકવવો પડશે:

1 કિલોવોટ સોલાર સિસ્ટમ (કુલ ખર્ચ: ₹54,000):

સામાન્ય ગ્રાહકો માટે: માત્ર ₹5400 (10 ટકા)

SC/ST કેટેગરીના ગ્રાહકો માટે: માત્ર ₹2700 (5 ટકા)

બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકારની સબસિડી દ્વારા ભરપાઈ થશે.

2 કિલોવોટ સોલાર સિસ્ટમ (કુલ ખર્ચ: ₹1,07,200):

સામાન્ય ગ્રાહકો માટે: માત્ર ₹10,720 (10 ટકા)

SC/ST કેટેગરીના ગ્રાહકો માટે: માત્ર ₹536 (5 ટકા)

સોલાર ઊર્જા ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડતું ગુજરાત

ગુજરાત પહેલેથી જ રિન્યુએબલ અને સોલાર એનર્જીના ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે. સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્યના 14 લાખથી વધુ પરિવારો પોતાના ઘરો પર સોલાર પેનલ સ્થાપિત કરી ચૂક્યા છે. ખાસ કરીને ‘PM સૂર્ય ઘર’ યોજના અંતર્ગત જ 8.5 લાખથી વધુ ઘરોમાં આ સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે. ઘરની છત પર વીજળીનું ઉત્પાદન થવાથી માત્ર પરંપરાગત વીજળી પરની નિર્ભરતા જ ઘટી નથી, પરંતુ પરિવારોને લાંબા ગાળે આર્થિક સ્તરે પણ મોટી રાહત મળી રહી છે.

શું વીજ બિલ શૂન્ય થઈ શકે?

નિષ્ણાતોના મતે, જો ઘરની સોલાર સિસ્ટમ પૂરતી વીજળી ઉત્પન્ન કરતી હોય અને નેટ મીટરિંગના નિયમો યોગ્ય બેસતા હોય, તો વીજળીનું માસિક બિલ નામિનલ અથવા શૂન્યની નજીક પહોંચી શકે છે. જોકે, અંતિમ બિલ ઘરની કુલ વીજ વપરાશની પદ્ધતિ, હવામાનની સ્થિતિ અને ડિસ્કોમ દ્વારા લાગુ પડતા નિશ્ચિત ચાર્જ પર આધાર રાખે છે. વધારાની વીજળી ગ્રીડમાં મોકલવા પર નિયમોનુસાર તેનો ફાયદો પણ ગ્રાહકને મળતો હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે નાગરિકો સત્તાવાર પોર્ટલ પર અરજી કરી શકે છે અને પોતાના ઘરના વીજ ખર્ચને કાયમ માટે ઘટાડી શકે છે.