ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ઇંધણ બચત અને કાર્યક્ષમતા વધારવા અપીલ કરી છે. જેના પગલે ગુજરાત (Gujarat) સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે “વર્ક ફ્રોમ હોમ” (Work From Home) વ્યવસ્થા અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહી છે. સૂત્રો મુજબ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ ઘરે બેઠા કામ કરી શકે તે માટે વિવિધ વિકલ્પો પર મંથન શરૂ કરવામાં આવ્યું છે.
સરકાર (Government) હાલમાં બે મુખ્ય મોડલ પર વિચારણા કરી રહી છે. પ્રથમ મોડલ મુજબ પસંદગીના વિભાગોમાં કર્મચારીઓને સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપવામાં આવી શકે છે, જ્યારે બીજા વિકલ્પમાં રોટેશન આધારિત હાજરી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી શકે છે. આ વ્યવસ્થા દ્વારા ઓફિસોમાં ભીડ ઘટાડવા સાથે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં પણ ઘટાડો કરવાનો ઉદ્દેશ છે.
સૂત્રોના અનુસાર, આવતીકાલે યોજાનારી રાજ્ય કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં આ મુદ્દે વિશેષ ચર્ચા થવાની શક્યતા છે. બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરી, ટેક્નિકલ સુવિધાઓ અને વહીવટી અસર અંગે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. ડિજિટલ માધ્યમો અને ઓનલાઈન કાર્યપદ્ધતિના વધતા ઉપયોગને કારણે અનેક વહીવટી કામો હવે દૂરસ્થ રીતે સરળતાથી સંભવ બની રહ્યા છે. કોરોના કાળ દરમિયાન મળેલા અનુભવને ધ્યાનમાં રાખીને ફરી એકવાર વર્ક ફ્રોમ હોમ મોડલને પ્રોત્સાહન આપવાની દિશામાં પગલાં લેવાઈ શકે છે.




