ગુજરાતના પાંચમા પગાર પંચના પેન્શનરોનું મોંઘવારી ભથ્થું વધીને ૪૪૩%

ગાંધીનગર: ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા પાંચમા પગાર પંચ હેઠળ પેન્શન મેળવતા રાજ્યના પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા (DA/DR) માં મોટો વધારો કરવાનો મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી હજારો પેન્શનરોને આર્થિક રાહત મળશે.નવા ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થાનો દર ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી વધારીને ૪૪૩% કરવામાં આવ્યો છે. અગાઉ આ દર ૩૮૧% હતો, જેથી પેન્શનરોને મૂળ પેન્શન પર સીધો ૬૨% નો વધારાનો તફાવત મળશે. આ સાથે જ ૧ જુલાઈ, ૨૦૨૧થી ૩૦ જૂન, ૨૦૨૪ સુધીના વિવિધ સમયગાળાના મોંઘવારી રાહતના તફાવતની રકમ એટલે કે એરિયર્સ ચૂકવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

  • જો કોઈ પેન્શનરનું મૂળ પેન્શન ₹૧૦,૦૦૦ હોય, તો અગાઉ ૩૮૧% ના દરે ₹૩૮,૧00 મોંઘવારી ભથ્થું મળતું હતું, જે હવે ૪૪૩% ના દરે વધીને ₹૪૪,૩00 થશે. એટલે કે દર મહિને સીધા ₹૬,૨૦૦નો વધારો થશે.

  • સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૨૪થી જૂન ૨૦૨૪ (૬ મહિના) દરમિયાનના સમયગાળા માટે ૧૩૧% ના તફાવત મુજબ એરિયર્સની ગણતરી કરીને ચૂકવવામાં આવશે, જે અંતર્ગત ₹૧૦,૦૦૦ ના મૂળ પેન્શન પર ૬ મહિનાનું કુલ એરિયર્સ આશરે ₹૭૮,૬૦૦ જેટલું બનશે.