ડાંગના રાજવીઓનું સન્માન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આહવા: અંગ્રેજોની આધિનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત કરી, હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.રાજ્યપાલએ રામાયણનાં દંડકારણ્યમાં ડાંગનો ઉલ્લેખ કરી આ જિલ્લાના આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો.રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.રાજ્યપાલએ જણાવ્યું હતું કે, નિર્મળ જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય છે. ડાંગ જિલ્લો આજે દેશ માટે પ્રેરણારૂપ જિલ્લો બન્યો છે. આ જિલ્લામાં સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ ખેડૂતો પણ મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.” વાસુર્ણા રાજવી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશીએ ડાંગ દરબારનાં ઐતિહાસિક કાર્યક્રમમા રાજ્યપાલનાં આગમનની ખુશી વ્યક્તિ કરી રાજવીઓના સન્માનની પરંપરા જાળવી રાખવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના આદિવાસી પ્રકૃતિપૂજક છે. આ જંગલ અને પ્રકૃતિને બચાવનાર પાટીલ કારભારીની પ્રથા શરૂ કરવાં અને ડાંગનાં લોકોને ઘર આંગણે રોજગારી ઉપલબ્ધ કરવાં પ્રજાવતી અરજ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર શાલિની દુહાએ હાજર મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વાસુર્ણા રાજવીએ રાજ્યપાલને ધનુષ્યબાણ તથા સાફો પહેરાવી સન્માનિત કર્યા હતાં. તથા ભીલ યોદ્ધાઓનું પુસ્તક અર્પણ કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્રે રાજ્યપાલને સ્મૃતિભેટમા વારલી પેન્ટિંગ તથા તારપુ અર્પણ કર્યું હતું. તો બીજી તરફ રાજ્યપાલએ ડાંગનાં પાંચ રાજવીઓને વિધિવત રીતે પાન સોપારી, શાલ, સ્મૃતિભેટ, સ્વર્ણમુદ્રા અને રાજકીય પેંશન અર્પણ કર્યું હતું.