રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત

નવી દિલ્હી: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ જનકલ્યાણકારી અને વિકાસલક્ષી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ (Natural Farming)ના વ્યાપ અને તેનાથી મળી રહેલા સકારાત્મક પરિણામો વિશે વિશેષ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.રાજ્યપાલે વડાપ્રધાનના સંકલ્પોને અનુરૂપ રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા મિશન મોડ પ્રયાસોની વિગતો આપી હતી. તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજભવનના દિશા-નિર્દેશોથી રાજ્યની તમામ સરકારી કચેરીઓ, વિશ્વવિદ્યાલયો, અને નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં વીજળી બચતનું અભિયાન ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. બેઠકમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમો, સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, નશામુક્તિ અને સામાજિક સમરસતા માટે કરવામાં આવી રહેલી કામગીરી અને તેનાથી ગ્રામજનોમાં જોવા મળેલા ઉત્સાહજનક પ્રતિભાવોથી વડાપ્રધાનને અવગત કરાયા હતા.