ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા કરેલી અપીલનો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમલ શરૂ કર્યો છે.
રાજ્યપાલ સામાન્ય મુસાફરની જેમ કરશે પ્રવાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે લોકભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક વિશેષ બેઠક યોજી પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી રાજ્યપાલ કોઈપણ સરકારી કાર્યક્રમમાં જવા માટે હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં કરે. તેઓ રાજ્યમાં અવરજવર કરવા માટે ટ્રેન અને એસટી (ST) બસનો ઉપયોગ કરશે. પોતાની ‘ઝેડ પ્લસ’ (Z+) સુરક્ષાના મોટા કાફલાને બદલે આવશ્યક પ્રવાસ વખતે ઓછામાં ઓછી કાર રાખવા તેમણે સૂચના આપી છે.
યુનિવર્સિટીઓ અને સરકારી તંત્ર માટે નિર્દેશ
રાજ્યપાલે માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર તંત્ર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સાયકલ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા નિર્દેશ અપાયા છે. સરકારી કામોમાં વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા અને ઈંધણ બચાવવાના શક્ય તમામ પ્રયાસો કરવા રાજ્યપાલે આહવાન કર્યું છે.
જનતાનો વિશેષ આગ્રહ
રાજ્યપાલના આ નિર્ણય બાદ હવે લોકોમાં એવો સૂર ઉઠ્યો છે કે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ આ અપીલનો અમલ ક્યારે કરશે? મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે આર્થિક પરિસ્થિતિ અને ગેસ-પેટ્રોલનું સંકટ વધી શકે છે, ત્યારે મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ હેલિકોપ્ટર-પ્લેનનો ઉપયોગ ઘટાડી રેલવે-એસટીમાં પ્રવાસ કરી ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.




