રાજ્યની ખાનગી શાળા-કૉલેજના NCC કૅડેટ્સને પણ મળશે કૅમ્પ ભથ્થાં

ગાંધીનગર: રાજ્ય સરકારે નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC)ના કૅડેટ્સ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સમાન તક પૂરી પાડતો નિર્ણય લીધો છે. હવેથી રાજ્યની ખાનગી શાળા અને કૉલેજોમાં કાર્યરત NCC કૅડેટ્સ જ્યારે રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે પસંદગી પામશે, ત્યારે તેમને સરકારી શાળા-કૉલેજના કૅડેટ્સની જેમ જ કૅમ્પ ભથ્થાં (Camp Allowances) અપાશે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો મહત્વનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો.

૧૦૦% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

અત્યાર સુધી માત્ર સરકારી સંસ્થાઓના NCC કૅડેટ્સને જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા દર મુજબ વિવિધ કૅમ્પ ભથ્થાં મળતા હતા. ખાનગી સંસ્થાઓના કૅડેટ્સ અથવા સંસ્થાએ પોતે આ ખર્ચ ઉઠાવવો પડતો હતો. આ આર્થિક ભારણને કારણે ઘણીવાર પ્રતિભાશાળી કૅડેટ્સ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પસંદગીમાં ભાગ લેવા અચકાતા હતા. આ પરિસ્થિતિ બદલવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે ખાનગી સંસ્થાઓના કૅડેટ્સ માટે થનારા આ સમગ્ર ખર્ચનો ૧૦૦ ટકા હિસ્સો રાજ્ય સરકાર પોતે ભોગવશે.

કયા કૅમ્પો અને સુવિધાઓ આવરી લેવાશે?

આ નિર્ણય હેઠળ NCC કૅડેટ્સ માટે અત્યંત મહત્વના ગણાતા રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ્સ જેવા કે,

  • રિપબ્લિક ડે કન્ટિન્જન્ટ (RDC)

  • થલ સૈનિક કૅમ્પ (TSC)

  • યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP)

  • વાયુ સૈનિક કૅમ્પ (VSC)

  • નૌ સેનિક કૅમ્પ (NSC)

  • નેશનલ લેવલ ઈવેન્ટ (NLE)

આ તમામ કૅમ્પ્સ માટે પસંદગી પામેલા કૅડેટ્સને મેસિંગ, ટ્રાવેલિંગ, જનરેશન, ઇન્સિડેન્ટલ અને POL (પેટ્રોલ, ઓઇલ અને લુબ્રિકન્ટ) ચાર્જિસ જેવા ખર્ચાઓ માટે ભારત સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવતા દર મુજબ ભથ્થું ચૂકવવામાં આવશે.

આ નિર્ણાયક પગલાથી સરકારી અને ખાનગી સંસ્થાઓ વચ્ચેનો આર્થિક તફાવત દૂર થશે અને હવે પ્રતિભાશાળી યુવાનો માટે આર્થિક મજબૂરી નહીં, પરંતુ તેમની મહેનત, ક્ષમતા અને પ્રતિભા જ રાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનો મુખ્ય આધાર બનશે.