ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર

ગાંધીનગર: ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. કમોસમી વરસાદ અને કુદરતી આફતોને કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપી છે. હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે રૂપિયા 10 હજાર કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે.

આ સાથે 9 નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.  જણાવી દઈએ કે, રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર માં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ‘ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.’

રૂ. 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરાશે: રાજ્ય સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.’

મગફળી઼ની 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી: કૃષિ મંત્રી

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.  SMSથી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતો તેમનો જથ્થો પહોંચાડશે.

125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના: કૃષિ મંત્રી

કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદી થશે અને જરૂર પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે. 125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્યની સરકારે આપી છે. કેન્દ્રનાં નિયમો મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી. ભારત સરકારે મગફળીના ભાવ, મગના ભાવની ખરીદીમાં વધારો કર્યો છે. ભારત સરકાર નિયમ પ્રમાણે 25 % ની ખરીદીની જોગવાઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સપ્રમાણમાં ખરીદી કરી શકાય એ પ્રમાણે સરકાર ખરીદી કરશે. જ્યારે રાહત પેકેજ માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

7263 રૂ. પ્રતિ ક્વિન્ટન કિંમતે મગફળી ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 3.5 લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી, અને સરકાર ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી. આ વખતે 9.5 લાખ મગફળીનું વાવેતર છે અને ગત વર્ષની સરખામણીએ ઓછું હતું. તેમણે જણાવ્યું કે આગમી સમયમાં જરૂરી પરિપત્રો કરવામાં આવશે. કમોસમી વરસાદના નુકસાનને જોતા નિયમો મુજબ જ ખરીદી થશે.

પાક વિમા યોજના અમલમાં મૂકવા માગ

વર્ષ 2019માં રાજ્ય સરકારે રૂ. 3750 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ હતું. પણ તે વખતે પાક વિમા યોજના અમલમાં હતી પરિણામે ખેડૂતોને રૂ. 10 હજાર કરોડનો આર્થિક ફાયદો પહોંચ્યો હતો. ખેડૂતોનું કહેવુ છે કે, આ વખતે ભલે સરકાર કરોડોનું પેકેજ જાહેર કરે પણ પાક વિમા યોજના બંધ કરાઇ છે. ત્યારે ખેડૂતોની આર્થિક ખોટ સહાયથી સરભર થાય તેમ નથી. આ કારણોસર ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળશે તેમાં બે મત નથી.