ગાંધીનગર: ગુજરાત સરકારના ત્વરિત અને સક્રિય હસ્તક્ષેપને કારણે આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના ગોમા શહેરમાં છેલ્લા એક મહિનાથી ફસાયેલા ભુજ (કચ્છ)ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અમીન સમા સુરક્ષિત રીતે વતન પરત ફરી રહ્યા છે. ઇબોલા વાયરસના સંભવિત પ્રકોપને કારણે રવાંડા અને કોંગો સરહદ પર અચાનક લાદવામાં આવેલા આકરા મુસાફરી પ્રતિબંધોને લીધે તેઓ ત્યાં અટવાઈ ગયા હતા.
ઇબોલા પ્રતિબંધોને કારણે ફસાયા
ભુજની
આર.આર. લાલન કોલેજમાં સહાયક અદ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. અમીન સમા ગત ૧૫ મે, ૨૦૨૬ના રોજ રવાંડા પહોંચ્યા હતા અને ત્યાંથી પોતાના બાળપણના મિત્રને મળવા કાયદેસર રીતે કોંગોના ગોમા શહેરમાં પ્રવેશ્યા હતા. જોકે, માત્ર બે દિવસ બાદ જ ઇબોલા ફાટી નીકળવાની આશંકાથી રવાંડા સરકારે કોંગો સરહદ સીલ કરી દીધી હતી. આના કારણે ડૉ. સમા ૩૧ મેની ભારત પરત ફરવાની નિર્ધારિત ફ્લાઇટ ચૂકી ગયા હતા.
હર્ષ સંઘવી અને સંસ્થાઓની ત્વરિત કાર્યવાહી
મુશ્કેલીમાં મુકાયેલા ડૉ. સમાએ મદદ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરીનો સંપર્ક સાધ્યો હતો. આ ગંભીર બાબત ધ્યાને આવતા જ મંત્રીએ તાત્કાલિક જરૂરી કાર્યવાહી શરૂ કરાવી હતી. સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશન (NSGF) એ આ કેસ હાથમાં લીધો અને નવી દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલય (MEA) તેમજ રવાંડા અને કોંગોમાં રહેલા ભારતીય રાજદ્વારી દૂતાવાસો સાથે સતત અને સઘન સંકલન સાધ્યું હતું.
૧૭ જૂને મળી કાનૂની મંજૂરી
ડૉ. સમા સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને તેમણે સત્તાવાળાઓને તમામ તબીબી પરીક્ષણો અને ક્વોરન્ટાઇન પ્રક્રિયાઓ માટે તૈયારી દર્શાવી હતી. વતન વાપસીની પુનઃનિર્ધારિત ફ્લાઇટ ૧૮ જૂને હોવાથી ફાઉન્ડેશન અને દૂતાવાસના અધિકારીઓએ દિવસમાં અનેક વખત બેઠકો યોજી રાજદ્વારી પ્રયાસો તેજ કર્યા હતા. પરિણામે, ૧૭ જૂનના રોજ ડૉ. સમાને ટ્રાન્ઝિટ અને ભારત પરત ફરવા માટેની તમામ કાનૂની પરવાનગીઓ મળી ગઈ હતી. પરવાનગી મળતા જ ડૉ. સમાએ ભાવુક થઈને ગુજરાત સરકાર અને દૂતાવાસના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા અંગે જણાવ્યું કે, “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિશ્વના કોઈપણ ખૂણે મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય કે ગુજરાતી નાગરિકોની સુરક્ષા માટે અમારી સરકાર કટિબદ્ધ છે. વિદેશ મંત્રાલય અને ભારતીય રાજદ્વારી મિશનોના સંકલિત પ્રયાસોથી અમે આ પડકારજનક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો સુખદ ઉકેલ લાવી શક્યા છીએ.”






