ગાંધીનગર: ૧૮ ઓગસ્ટ – ‘વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે’ નિમિત્તે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મહિલાઓમાં વધતા જતા સ્તન કેન્સર (બ્રેસ્ટ કેન્સર) અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું હતું કે, કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન અને જાગૃતિ જ સૌથી મોટું શસ્ત્ર છે. જો સ્તન કેન્સર પ્રાથમિક તબક્કે જ ઓળખાઈ જાય, તો તે સંપૂર્ણપણે સાધ્ય છે.
આરોગ્ય મંત્રીએ રાજ્યની મહિલાઓને ખાસ અપીલ કરતા કહ્યું કે,
-
૩૦ વર્ષથી વધુ વયની મહિલાઓ: નિયમિતપણે ‘સેલ્ફ-બ્રેસ્ટ એક્ઝામિનેશન’ (પોતાની જાતે તપાસ) કરે.
-
૪૦ વર્ષથી વધુ વયની મહિલાઓ: દર વર્ષે ‘ડિજિટલ મેમોગ્રાફી સ્ક્રીનિંગ’ કરાવે.
-
શરીરમાં કોઈપણ અસામાન્ય ગાંઠ કે લક્ષણ જણાય તો તુરંત જ સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા જીસીઆરઆઈ (GCRI) નો સંપર્ક કરવો.

કેન્સરના આંકડા અને ગુજરાતની સ્થિતિ
ગ્લોબોકેન (GLOBOCAN 2022) મુજબ વિશ્વમાં દર વર્ષે ૧.૯૯ કરોડથી વધુ અને ભારતમાં ૧૪.૧૩ લાખ નવા કેસો નોંધાય છે. રાષ્ટ્રીય કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ અનુસાર, ગુજરાતમાં ૨૦૨૪ સુધીમાં કેન્સરના દર્દીઓનો આંકડો ૭૭,૨૦૫ પર પહોંચ્યો હતો.
-
૩૧.૨% હિસ્સો: ગુજરાતમાં મહિલાઓમાં જોવા મળતા તમામ પ્રકારના કેન્સરમાં સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધુ (૩૧.૨%) છે.
-
જોખમનું પ્રમાણ: અમદાવાદના ‘પોપ્યુલેશન બેઝ્ડ કેન્સર રજિસ્ટ્રી’ (PBCR) મુજબ ૦ થી ૭૪ વયજૂથની દર ૧૨માંથી ૧ મહિલાને કેન્સર થવાનું જોખમ રહેલું છે.
-
સૌથી અફેક્ટેડ વયજૂથ: GCRIના વર્ષ ૨૦૨૫ના ડેટા મુજબ નોંધાયેલા ૧,૫૪૧ સ્તન કેન્સરના નવા કેસોમાંથી ૪૧ થી ૬૦ વર્ષની મહિલાઓમાં સૌથી વધુ (૯૦૫ કેસ) કેન્સર જોવા મળ્યું હતું.
GCRI: દેશભરના દર્દીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર
વર્ષ ૧૯૭૨માં સ્થાપિત ‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (GCRI) આજે PPP મોડલ હેઠળ દેશ માટે મોડેલ સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ બની છે. વર્ષ ૨૦૨૫માં GCRI ખાતે નોંધાયેલા કુલ ૨૬,૮૧૨ દર્દીઓમાંથી ૯,૧૪૭ દર્દીઓ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા, જે ગુજરાતની શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓનો પુરાવો આપે છે.
અત્યાધુનિક સુવિધાઓ અને નિઃશુલ્ક સારવાર
સરકાર દ્વારા GCRI ખાતે વિશ્વસ્તરીય ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવી છે,
-
રોબોટિક અને સાયબર નાઈફ સર્જરી: અત્યંત ચોકસાઈપૂર્વક ઓપરેશન વગર સારવાર.
-
સ્કેલ્પ કૂલિંગ ડિવાઇસ: કેમોથેરાપી દરમિયાન વાળ ખરતા અટકાવવા.
-
નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ: જનીન તપાસ આધારિત પર્સનલાઇઝ્ડ સારવાર.
-
અન્ય સાધનો: Digital Mammography, TrueBeam LINAC, Tomotherapy, 3T MRI, Cobas 4800 (HPV DNA testing) અને ૧૯ હાઈ-એન્ડ મોડ્યુલર OTs.
આ તમામ વિશ્વસ્તરીય સારવાર રાજ્યના નાગરિકોને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.






