રાજ્યમાં હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર

Gujarat Heatwave Alert: IMD Issues Orange and Yellow Alerts as Temperatures Set to Rise

અમદાવાદ: ગુજરાતમાં આગામી ચાર દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર, રાજ્યમાં હજુ ગરમીનો કહેર વધવાનો છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હજુ 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી છે. એકથી બે દિવસની અંદર ચાલુ સિઝન અને ગત વર્ષની ગરમીનો રેકોર્ટ તૂટે તેવી સંભાવના છે.
આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, '11મીથી 17મી મે સુધીના સમયગાળા દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. 11થી 14 મે એમ ચાર દિવસ માટે હીટવેવની ચેતવણી છે.'આગામી 3 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત, બાકીના વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, બરડા, સુરત અને અમદાવાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ રહેશે અને તે વધીને 25 નોટ સુધી પણ પહોંચી શકે છે. 

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અમદાવાદમાં 43°C, અમરેલીમાં 44°C, વડોદરામાં 44°C, રાજકોટમાં 44°C, સુરતમાં 42°C, ભાવનગરમાં 42°C, ભુજમાં 43°C, દાહોદમાં 41°C, ગાંધીનગરમાં 43°C, કંડલામાં 41°C અને પોરબંદરમાં 40°C મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.