ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય અને જિલ્લા કક્ષાના ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ્સ’ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજ્યના ૯૩ પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
-
૧૦૦ નવા વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ: પ્રાકૃતિક કૃષિ પેદાશોના સીધા વેચાણ માટે નવા ૧૦૦ કેન્દ્રો શરૂ કરાયા, જે સાથે જ રાજ્યમાં આ કેન્દ્રોની સંખ્યા વધીને ૧,૨૦૦ થઈ છે.
-
ISRO (SAC) સાથે MoU: ખેતીમાં આધુનિક સેટેલાઇટ અને જિયો-સ્પેશિયલ ટેકનોલોજીના ઉપયોગ માટે ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે સમજૂતી કરાર સંપન્ન થયા.
-
નિમણૂક પત્રો અને પુસ્તક વિમોચન: ૧૪ નવનિયુક્ત મદદનીશ ખેતી નિયામકોને નિમણૂક પત્રો અર્પણ કરાયા અને કૃષિ વિભાગની ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત : “પહેલું સુખ તે જાતે નર્યા”ના મંત્ર સાથે તેમણે જણાવ્યું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિરેકથી બચવા પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની માંગ છે. તેમણે દરેક પ્રાકૃતિક ખેડૂતને અન્ય એક ખેડૂતને આ અભિયાનમાં જોડવા આહ્વાન કર્યું હતું.

-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: જમીન અને માનવ સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલા હોવાથી પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણના સમન્વયથી રાજ્યના અન્નદાતાઓનું સશક્તિકરણ થઈ રહ્યું છે.
-
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ‘બ્રાન્ડ એમ્બેસેડર’ ગણાવીને દરેક ખેડૂતને અન્ય પાંચ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવાનો સંકલ્પ લેવા હાકલ કરી હતી.
આ સમારોહમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર રાજ્યમાંથી આશરે ૫૦,૦૦૦ જેટલા ખેડૂતો વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.






