સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ લગાવશે પૂરી તાકાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાં જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકા ઉપરાંત વિવિધ ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીમાં વિજયધ્વજ લહેરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રણનીતિ અપનાવી છે. રાજ્ય ચૂંટણી પંચના સત્તાવાર કાર્યક્રમ અનુસાર ૧૧ ઓક્ટોબરે મતદાન યોજાશે અને ૧૩ ઓક્ટોબરે પરિણામો જાહેર થશે. આ ચૂંટણી જંગમાં પોતાના ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે ભાજપે પોતાના ૨૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરીને પ્રચાર મોરચો સંભાળી લીધો છે. ચૂંટણી પ્રચારને વેગ આપવા અને મતદારો સુધી સીધો સંપર્ક સાધવા માટે ભાજપે પક્ષના ટોચના વહીવટી અને સંગઠનાત્મક ચહેરાઓને જવાબદારી સોંપી છે..

સીનિયર નેતૃત્વ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે મુખ્ય પ્રચારક તરીકે દોરી સંચાર કરશે.

કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ: ઋષિકેશ પટેલ, પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોરને પણ ચૂંટણી વિસ્તારોમાં લોકસંપર્ક જાળવી રાખવાની જવાબદારી સોંપાઈ છે.

લોકપ્રિય ચહેરા અને ધારાસભ્યો: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા તેમજ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણના સ્થાનિક ધારાસભ્યો ચૂંટણી પ્રચારમાં ઝૂકાવશે.

ઓખા અને ગાંધાનગર મનપા પર વિશેષ ધ્યાન

ઓખા નગરપાલિકાના વિસ્તારમાં સ્થાનિક પ્રભાવ જાળવી રાખવા માટે પક્ષે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને દ્વારકાના બહોળો જનધારા ધરાવતા નેતા પબુભા માણેકને પ્રચાર મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ, રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો અહીં કૂલ ૧૧ વોર્ડની ૪૪ કોર્પોરેટર બેઠકો પર મુકાબલો થવાનો છે. વર્ષ ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે ૪૪માંથી ૪૧ બેઠકો પર એકચક્રી શાસન મેળવ્યું હતું, જ્યારે કોંગ્રેસને ૨ અને આમ આદમી પાર્ટીને ૧ બેઠક મળી હતી. ભાજપ આ વખતે પણ પોતાનો આ દબદબો બરકરાર રાખવાના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યું છે.

રોડ-શો, જાહેરસભાઓ અને ખાટલા બેઠકો દ્વારા આક્રમક પ્રચાર

આગામી દિવસોમાં ભાજપના આ સ્ટાર પ્રચારકો વિવિધ વોર્ડ અને નગરપાલિકા વિસ્તારોમાં મોટા પાયે જાહેરસભાઓ, ભવ્ય રોડ-શો અને ડોર-ટુ-ડોર જનસંપર્કના કાર્યક્રમો યોજશે. સ્થાનિક સ્તરે કાર્યકરોનો ઉત્સાહ વધારવા અને મતદારો સાથે સીધો સંવાદ સાધવા માટે પક્ષે રાજ્યકક્ષાના નેતાઓની સાથે સ્થાનિક પ્રભાવશાળી ચહેરાઓનું સંતુલન જાળવીને ચૂંટણી રણનીતિ ઘડી છે.