કાળઝાળ ગરમીમાં જીતેલા ઉમેદવારોએ જીતનો જશન મનાવ્યો

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવવાની શરૂઆત થઇ ગઇ છે. મોટાભાગની બેઠકોની પેનલો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છેકેટલીક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહાનગર પાલિકાની બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ રહ્યું નથી એવી સ્થિતિ ઉભી થઇ છે.અમદાવાદના પશ્વિમના વિસ્તારો ગોતા, ઘાટલોડિયા, નારણપુરા, પાલડી, થલતેજ, બોડકદેવ, સૈજપુર બોઘા, અસારવા, શાહીબાગ, સરદારનગર, નવરંગપુરા સહિત અનેક વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની પેનલોની જીત થઇ છે.બાપુનગરમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે દરિયાપુર, ખાડીયા, બહેરામપુરા જેવા મધ્ય ઝોન પૂર્વના વિસ્તારોમાં કોંગ્રેસની પેનલોની જીત થઇ છે.શહેરના એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ તેમજ ગુજરાત કોલેજ પાસે ચૂંટણી બાદ મત ગણતરીના કેન્દ્રો હતા. આમ તો મતદાન કેન્દ્રો પર ઉમેદવારોના સમર્થકોના ધાડે ધાડા ઉતરી પડતા હતા.
પરંતુ આ ચૂંટણીમાં મતદારોમાં અને મતદાનમાં ભારે નિરસતા જોવા મળી હતી. કેટલાક ઉમેદવારોના સમર્થકોની મતગણતરી કેન્દ્રો પર  એકદમ પાંખી હાજરી હતી.અમદાવાદના મતગણતરી કેન્દ્રો બહાર અસહ્ય ગરમી નિરસતાના કારણે સમર્થકોની હાજરી એકદમ નહીંવત જોવા મળી હતી. જીતેલા  ઉમેદવારો અને એની આસપાસ અમુક જ લોકો જોવા મળ્યા હતા.પાંખી હાજરી વચ્ચે  જીતેલા કેટલાક ઉમેદવારો કાર્યકર્તાના હાર પહેરી  ગુલાલ ઉડાડી ખુલ્લી જીપો, ડી.જે સાથે જીત પછી રેલી સાથે પોતાના વિસ્તાર તરફ રવાના થયા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)