સિકલ સેલ નાબૂદીમાં ગુજરાત મોડેલ દેશ માટે પ્રેરણારૂપ

અમદાવાદ: વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસના અવસરે અગ્રણી ટ્રાન્સલેશનલ સાયન્ટિસ્ટ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. યઝદી ઇટાલિયાએ ભારતમાં સિકલ સેલ રોગ (SCD) સામેની લડતમાં થયેલી અભૂતપૂર્વ પ્રગતિને ઉજાગર કરી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૦૬માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા વ્યાપક સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમના ‘ગુજરાત મોડેલ’ની તર્જ પર જ કેન્દ્ર સરકારે ૧ જુલાઈ, ૨૦૨૩ના રોજ ‘રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશન’ની શરૂઆત કરી હતી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં દેશમાંથી આ રોગના ભારણને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે.

ચાલુ વર્ષની વૈશ્વિક થીમ અને રોગના લક્ષણો

આ વર્ષે આ દિવસ “Closing the Survival Gap: Equity in Sickle Cell Disease” એટલે કે “સિકલ સેલ રોગમાં જીવનરક્ષણની અસમાનતા દૂર કરીને સમાન આરોગ્યસેવાઓ સુનિશ્ચિત કરવી”ની થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. સિકલ સેલ એ વારસાગત રક્તરોગ છે, જે ખાસ કરીને આદિવાસી સમાજમાં વધુ જોવા મળે છે. આ રોગના કારણે દર્દીઓને અસહ્ય દુખાવાના હુમલા, ક્રોનિક એનિમિયા, વારંવાર ચેપ લાગવો અને અગત્યના અંગોને નુકસાન જેવી ગંભીર સમસ્યાઓ થાય છે. જોકે, યોગ્ય તબીબી દેખરેખ, પૂરતું પાણી પીવું અને સમયસરની સારવારથી આ જટિલતાઓને અટકાવી શકાય છે.

સરકાર તરફથી નિઃશુલ્ક સારવાર અને આધુનિક ટેક્નોલોજી

આયુષ્માન ભારત યોજના અને રાષ્ટ્રીય મિશન અંતર્ગત દર્દીઓને નિઃશુલ્ક તપાસ, નિદાન, દવાઓ, રક્ત ચઢાવવાની સેવા અને ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, ભવિષ્યમાં આ રોગમુક્ત સંતાન મેળવવા માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) અને પ્રિ-ઇમ્પ્લાન્ટેશન જિનેટિક ડાયગ્નોસિસ (PGD) જેવી આધુનિક પ્રજનન ટેક્નોલોજી તેમજ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન અને જિન એડિટિંગ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ હવે નવી આશાનું કિરણ બની રહી છે.

દેશભરમાં વ્યાપક સ્ક્રીનિંગ અને પ્રશંસા

તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશના પ્રભાવિત રાજ્યોમાં અત્યાર સુધી ૭ કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી ૨.૪૬ લાખથી વધુ સિકલ સેલ રોગગ્રસ્ત દર્દીઓ અને ૨૦ લાખથી વધુ સિકલ સેલ ટ્રેઇટ (લક્ષણ) ધરાવતા વ્યક્તિઓની ઓળખ થઈ છે. ડૉ. ઇટાલિયાએ આ ભગીરથ કાર્યને સફળ બનાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, નીતિનિર્માતાઓ, ICMRના વૈજ્ઞાનિકો, આરોગ્યકર્મીઓ અને કાઉન્સેલરોની ભૂમિકાને બિરદાવી છે. ભારત હવે દરેક બાળકને સ્વસ્થ જીવનનો અધિકાર આપવા અને સિકલ સેલ મુક્ત ભવિષ્ય તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.