ગાંધીનગર: રાજ્યના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર (FDCA) દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ નામની રાજ્યવ્યાપી સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત આઈસ્ક્રીમ-ફ્રોઝન ડેઝર્ટના એકમો તેમજ મુખ્ય હાઈવે પરની હોટેલો સહિત રાજ્યભરમાં કુલ ૧,૪૭૭ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમોમાં ગ્રાહક હિતની કામગીરી
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગેની કામગીરીની વિગતો આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તપાસ હેઠળ આવેલા કુલ ૭૮૬ એકમો પૈકી ૫૯૦ એકમોમાં માત્ર આઈસ્ક્રીમ, ૩૨ એકમોમાં ફક્ત ફ્રોઝન ડેઝર્ટ અને ૧૬૪ એકમોમાં બંનેનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવ્યું છે. ગ્રાહકોને આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ આપીને ગેરમાર્ગે દોરવામાં ન આવે તે માટે મંત્રીના નિર્દેશ બાદ સંબંધિત એકમોમાં ફરજિયાત બોર્ડ લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળી શકે.
હાઈવેની ૧૭૫ હોટેલોને નોટિસ; ૧૪ સ્થળોએ ખાદ્ય જથ્થો નાશ કરાયો
પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી કુલ ૬૯૧ હોટેલોની તપાસમાં ૧૭૫ હોટેલોમાં રસોડાની અસ્વચ્છતા, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ રીતે ખોરાક પીરસાતો હોવાનું સામે આવ્યું હતું. આ તમામ હોટેલોને નોટિસ ફટકારવામાં આવતા સંચાલકોએ સ્વયંભૂ એકમો બંધ રાખીને સફાઈ કરી હતી અને ફૂડ સેફ્ટીના કાયદા મુજબ જરૂરી સુધારા કર્યા હતા. જ્યારે સંતોષકારક સ્થિતિ ધરાવતી અન્ય ૫૧૬ હોટેલોને પણ વધુ સુધારા માટે માર્ગદર્શન અને સૂચના અપાઈ હતી.
તપાસ દરમિયાન ૧૪ હોટેલોમાંથી શંકાસ્પદ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે અને તેના નમૂના લેબોરેટરી પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જો લેબ રિપોર્ટમાં નમૂના નિષ્ફળ જશે કે કોઈ ગંભીર ખામી જણાશે, તો સંબંધિત સંચાલકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવા તેમજ એકમને કાયમી ધોરણે સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.
સ્વચ્છતાના નિયમોનું ચુસ્ત પાલન અને નાગરિકોને અપીલ
કડક શબ્દોમાં ચેતવણી આપતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા હોય કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હેઠળનો વિસ્તાર, દરેક હોટેલ, રેસ્ટોરન્ટ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલના રસોડામાં સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. ખાણીપીણીના એકમોના સ્ટાફ અને વેઈટર્સે ફરજિયાતપણે હેન્ડ ગ્લોવ્ઝ અને માથા પર કેપ પહેરવી પડશે તેમજ સ્વચ્છતાના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
તેમણે ઉમેર્યું કે, શુદ્ધ અને સાત્વિક ખોરાક મેળવવો એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે અને ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. હવે પછી જો કોઈ હોટેલ કે એકમમાં બિનઆરોગ્યપ્રદ ખોરાક પીરસાશે કે ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સંચાલકની રહેશે. મંત્રીએ નાગરિકોને પણ રસોડાની સ્વચ્છતા અને ખુલ્લા ખોરાક અંગે જાગૃત રહેવા તેમજ ગંદકી કે બેદરકારી જણાય તો તુરંત ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જિલ્લા કચેરીને ફરિયાદ કરવા અપીલ કરી હતી.




