PDEU-ગાંધીનગર ખાતે સમિટ, ગુજરાત બનશે ક્વોન્ટમ અને સેમિકન્ડક્ટર હબ

ગાંધીનગર: પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે અદ્યતન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રિન્યુએબલ એનર્જી અને ક્લાઇમેટ એક્શન જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક વિષયો પર ‘Summit of the Future: SEQUENCE 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, નવી પેઢી હવે માત્ર ટેકનોલોજીની વપરાશકર્તા નથી રહી, પરંતુ તે પોતે જ સંશોધક, સર્જક અને ઉદ્યોગસાહસિક બની રહી છે. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ દેશભરમાં મંજૂર થયેલા ૧૨ રોકાણ પ્રપોઝલ્સમાંથી ૬ પ્લાન્ટ્સ માત્ર ગુજરાતમાં જ સ્થાપિત થઈ રહ્યા છે. આ સાથે તેમણે અમદાવાદ નજીક સાણંદ ખાતે ‘ગુજરાત સ્પેસ પાર્ક’ આકાર લઈ રહ્યો હોવાની અને PDEU ખાતે ટૂંક સમયમાં જ અત્યાધુનિક ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્લાઇમેટ ઍક્શન’ શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી.

ભારતમાં તાઇવાનના પ્રતિનિધિ ડૉ. મુ-મિન ચેને (Dr. Mumin Chen) ભારત અને તાઇવાન વચ્ચે વધતા ટેકનોલોજીકલ સહયોગ વિશે વાત કરી હતી અને ઔદ્યોગિક આદાનપ્રદાન માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જ્યારે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવા શૈક્ષણિક ક્ષેત્ર અને ઉદ્યોગોના પરસ્પર સહયોગ પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ‘સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) – ક્વોન્ટમ કમ્પ્યુટિંગ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના પરસ્પર સહયોગ માટે PDEU દ્વારા Reliance Industries, QpiAI, ONGC Green અને NIPER-A જેવી વિવિધ ઔદ્યોગિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoUs નું આદાન-પ્રદાન પણ કરવામાં આવ્યું હતું.