ગુજરાતમાં નંબર પ્લેટ વગર ફરતા વાહનચાલકો સાવધાન

રાજ્યમાં વધી રહેલા માર્ગ અકસ્માતો પર લગામ કસવા અને માર્ગો પર ટ્રાફિક શિસ્તનું કડક પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ વિભાગે આક્રમક વલણ અપનાવ્યું છે. રાજ્ય પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકના આદેશાનુસાર, 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી સમગ્ર રાજ્યમાં અયોગ્ય, ફેન્સી કે નંબર પ્લેટ વગરના વાહનો સામે વિશેષ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

ગેરકાયદે નંબર પ્લેટ્સ અને ગુનાખોરી પર અંકુશ લાવવાનો હેતુ

ઘણા વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરીને વાહનો પર અસ્પષ્ટ અક્ષરો, વાંકીચૂકી, ફેન્સી ફોન્ટવાળી કે નંબર પ્લેટ વગર વાહનો હંકારી રહ્યા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ પ્રકારના વાહનોનો ઉપયોગ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં કે ચોરીના કિસ્સામાં થતો હોય છે. વાહનોની સાચી ઓળખ ઝડપથી થઈ શકે અને ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય તે હેતુથી આ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં ફટકારાયો રૂ. 5.33 કરોડથી વધુનો દંડ

આ અગાઉ, 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ દરમિયાન ચલાવાયેલી વિશેષ ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે નિયમભંગ કરનારાઓ સામે આકરાં પગલાં લીધાં હતાં:

રોંગ સાઈડ ડ્રાઈવિંગ: 36,159 કેસ નોંધીને રૂ. 3,64,52,000 નો દંડ વસૂલાયો.

ઓવર સ્પીડિંગ: મર્યાદા કરતાં વધુ સ્પીડે વાહન ચલાવતા 38,083 વાહનચાલકો સામે રૂ. 1,69,26,900 નો દંડ કરાયો.

કુલ કાર્યવાહી: એક જ મહિનામાં 74,242 કેસ કરીને પોલીસે રૂ. 5.33 કરોડથી વધુનો દંડ ફટકાર્યો હતો.

હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ સામે પણ આકરી કાર્યવાહી

હાઈવે અને મુખ્ય માર્ગો પર અસ્તવ્યસ્ત પાર્કિંગને કારણે થતા જીવલેણ અકસ્માતો રોકવા માટે પોલીસે નેશનલ હાઈવે પર 10,408 અને સ્ટેટ હાઈવે પર 20,813 કેસ નોંધ્યા હતા. આ ઉપરાંત વાહનવ્યવહારમાં અવરોધ ઊભો કરનારા 5,078 કેસ દાખલ કરીને 580 વાહનો સામે સીધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ તંત્રએ તમામ વાહનચાલકોને નિયમાનુસારની એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ વાપરવા અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.