ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન-મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હબ બનાવાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે વૈશ્વિક હબ બનવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ- ECMS પર વધુ ભાર મૂકવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સહયોગ આપતી વિશ્વ કક્ષાની ઉત્પાદન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેમ,સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.ગુજરાતની ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ અને ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ-ECMS પર ધ લીલા હોટલ, ગાંધીનગર ખાતે સાયન્સ અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે, આ સંવાદ સત્રમાં ૨૫થી વધુ ECMS ઉદ્યોગ અગ્રણીઓ સહભાગી થયા છે. જેમાં મુખ્યત્વે TATA Electronics, Kaynes, CG Semi, GnBS Korea, SyrmaSGS, Epitomem Unitio, અને Mink9નો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નેતાઓ અને વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ વચ્ચે સીધી ચર્ચા સુનિશ્ચિત કરે છે, જે સરકારને વાસ્તવિક ઉત્પાદકતાની જરૂરિયાતો અને પડકારો પર આધારિત નીતિઓને સુધારવા અને પ્રોજેક્ટની ઝડપી અમલવારી સુનિશ્ચિત કરવા માટે મદદ કરે છે.

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ECMS પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, આ સત્રમાં પેસિવ કમ્પોનન્ટ્સ અને PCBsથી લઈને અદ્યતન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુધીના વિશિષ્ટ અપસ્ટ્રીમ ઉત્પાદકોને આકર્ષવા માટે ગુજરાતની વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો, જેનાથી ભારતની આયાત પરની નોંધપાત્ર નિર્ભરતા ઘટાડી શકાય. આ પહેલ થકી મોટા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, હજારો ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન કરવા અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) ક્ષેત્રમાં ગુજરાતને એક મુખ્ય ઉત્પાદન ડેસ્ટિનેશન તરીકે મજબૂત રીતે સ્થાપિત કરવામાં આવશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દ્વારા રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવાની તકો ઉપલબ્ધ કરવામાં આવી છે.

સત્રના પ્રારંભમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન-GSEMના મિશન ડાયરેક્ટર, નેહા કુમારી દ્વારા ‘એડવાન્ટેજ ગુજરાત’ પર એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ સેગમેન્ટે રાજ્યના મજબૂત નીતિગત વાતાવરણ, માળખાકીય સુવિધાઓની તત્પરતા અને કમ્પોનન્ટ ઉત્પાદકોને આકર્ષવા માટે ખાસ તૈયાર કરાયેલા પ્રોત્સાહનો પર પ્રકાશ પાડ્યો હતો. સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી દ્વારા વિશેષ સંબોધનમાં ગુજરાતના મહત્વાકાંક્ષી ઔદ્યોગિક લક્ષ્યો માટે વ્યૂહાત્મક સંદર્ભ નક્કી કરવામાં આવ્યો હતો.