ગુજરાતમાં વરસાદની આગાહી: આગામી બે દિવસમાં આ 5 જિલ્લામાં તૂટી પડશે વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્ય પર એકસાથે 5 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં અનેક જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

કયા વિસ્તારોમાં છે એલર્ટ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેલમાર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રણ ટ્રફ એમ કુલ 5 સિસ્ટમ સક્રિય છે.

7 જુલાઇથી અને 8 જુલાઇ 
દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.અરવલ્લી, ખેડા, નર્મદા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની ચેતવણી છે.

8 જુલાઇથી અને 9 જુલાઇ
ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દાહોદ, નર્મદા, સુરત, તાપી, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. આ દિવસે પણ સમગ્ર રાજ્યમાં 40 થી 50 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

9 અને 10 જુલાઇ
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
બાકીના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.