સમગ્ર ગુજરાતમાં ચોમાસાનો મિજાજ અત્યંત આક્રમક બન્યો છે અને મેઘરાજાએ રાજ્યભરમાં પોતાનો વિકરાળ પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે આજે સવારે જાહેર કરેલા નાઉકાસ્ટ બુલેટિન હેઠળ આગામી કલાકોમાં રાજ્યભરમાં અતિભારેથી અતિભીષણ વરસાદની ચેતવણી આપી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના 18 જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’ જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, અન્ડરપાસ બંધ રહ્યા અને ટ્રાફિક જામથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.#AhmedabadRains #Ahmedabad #GujaratRains #HeavyRain #RainAlert #Monsoon2026 #FloodAlert #Waterlogging #TrafficJam #WeatherUpdate #IMD #chitralekha pic.twitter.com/5sDu7aV4B9
— chitralekha (@chitralekhamag) July 23, 2026
18 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું ‘રેડ એલર્ટ’
હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદની પૂરતી શક્યતાઓ છે. જે 18 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમાં:
સૌરાષ્ટ્ર: જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગર.
મધ્ય અને ઉત્તર ગુજરાત: અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર.
દક્ષિણ ગુજરાત: ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપીનો સમાવેશ થાય છે.
આ સિવાય અમદાવાદ અને ગાંધીનગર સહિત બાકીના તમામ જિલ્લાઓમાં પણ મુસળધાર વરસાદની ભીતિ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
➡️અમદાવાદમાં વરસાદથી જનજીવન પ્રભાવિત
➡️વેજલપુરમાં વરસાદી પાણીમાં ફસાયેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયુ. #AhmedabadRains #Rescue #StaySafe #Monsoon pic.twitter.com/TWnc0T2USX
— DD News Gujarati (@DDNewsGujarati) July 23, 2026
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ઉમરગામમાં 11 ઇંચ ખાબક્યો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટામાં વહેલી સવારથી જ ધીમી ધારે અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, ગઈકાલે ૨૨ જુલાઈના રોજ સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૨૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ૧૧ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
🔸સુરત શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયુ
🔸મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ નાગરિકોને સાવચેત રહેવા અને અત્યંત જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળીને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી #Surat #RedAlert #Monsoon2026 #SuratCity #SafetyFirst pic.twitter.com/oOU0XVvYCK
— DD News Gujarati (@DDNewsGujarati) July 22, 2026
27 જુલાઈ સુધી કેવો રહેશે વરસાદનો મિજાજ?
હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૭ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આ તીવ્રતા યથાવત રહેશે:
૨૩ જુલાઈ (ગુરુવાર): મહીસાગર અને દાહોદમાં રેડ એલર્ટ; જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ રહેશે.
૨૫ જુલાઈ: સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ દર્શાવાયું છે.
૨૬ અને ૨૭ જુલાઈ: અમરેલી, ભાવનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
વહીવટી તંત્ર અને હવામાન વિભાગની એલર્ટ એડવાઇઝરી
વરસાદના સતત વધી રહેલા જોખમને પગલે હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસને નાગરિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરતી સંભાવના હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. આ સાથે જ દરિયામાં ભયાનક કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને પોતાના પાક તથા પશુઓની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.




