નવી દિલ્હી: પર્યાવરણ અને જંગલ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે કેન્દ્ર સરકાર તરફથી મહત્વપૂર્ણ સહાય મળી છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે માહિતી આપી છે. છેલ્લા ૫ વર્ષ દરમિયાન ગુજરાતને નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (National CAMPA) હેઠળ રૂ. ૧,૨૨૬.૨૧ કરોડની માતબર રકમ પ્રાપ્ત થઈ છે.
દરિયાકાંઠાના મેન્ગ્રોવ વાવેતર માટે ‘મિષ્ટી’ (MISHTI) યોજના હેઠળ રૂ. ૬૭.૩૦ કરોડ અને ‘નાગર વન યોજના’ હેઠળ રૂ. ૭.૪૩ કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની આ વિવિધ યોજનાઓ અને માર્ગદર્શન હેઠળ છેલ્લાં ૫ વર્ષમાં ગુજરાતમાં વન વિભાગની કુલ ૧,૩૩,૬૬૬ હેક્ટર ક્ષતિગ્રસ્ત જંગલ જમીનનું પુનઃસ્થાપન (Restoration) કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન સામે અનુકૂલન માટે નેશનલ અડેપ્ટેશન ફંડ ફોર ક્લાઈમેટ ચેન્જ (NAFCC) હેઠળ કચ્છ જિલ્લા માટે રૂ. ૨૧.૩૬ કરોડનો ખાસ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જળ અને આજીવિકા સુરક્ષા તથા ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન દ્વારા કુદરતી સંસાધનો પર નિર્ભર સમુદાયોની સક્ષમતા વધારવાનો છે.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) દ્વારા હાથ ધરાયેલા રાષ્ટ્રીય સ્તરના અભ્યાસ “ક્લાઈમેટ વલ્નરેબિલિટી એસેસમેન્ટ” મુજબ ગુજરાતને આબોહવા પરિવર્તનના જોખમો સામે ‘મધ્યમ જોખમી’ (Moderately Vulnerable) શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર રાજ્યના ક્લાઈમેટ ચેન્જ સેલ (SCCC)ને સંશોધન, ક્ષમતા નિર્માણ અને જાગરૂકતા કાર્યક્રમો માટે પણ નાણાકીય સહયોગ પૂરો પાડી રહી છે.




