ગાંધીનગર: ગુજરાતમાં વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન સાર્વત્રિક અને સંતોષકારક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ ૮૮ ટકા વરસાદ નોંધાયો છે, જેમાં કુલ એકંદર ૩૧ ઇંચ વરસાદ થયો છે. પ્રદેશવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ ૧૧૩.૫૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૮.૫૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૩૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૭.૮૬ ટકા અને કચ્છ ઝોનમાં ૫૭.૧૬ ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૨૨૪ તાલુકાઓમાં મેઘમહેર ચાલુ રહી હતી. આ સમયગાળામાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધુ ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ૨.૮૭ ઇંચ, સાબરકાંઠાના તલોદમાં ૨.૫૨ ઇંચ તથા નર્મદાના દેડિયાપાડામાં ૨.૪૦ ઇંચ વરસાદ થયો છે.
જળાશયોની સ્થિતિ
ભારે વરસાદના પરિણામે રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૯૬ ટકા જેટલો ભરાઈ ગયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં પણ કુલ ક્ષમતાના ૭૦.૪૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં રાજ્યના ૩૦ ડેમ ૧૦૦ ટકા ભરાઈને છલકાયા છે, ૩૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૪૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા અને ૭૩ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. પાણીની આવકને ધ્યાને રાખીને ૪૫ ડેમને હાઇ એલર્ટ, ૧૩ ડેમને એલર્ટ અને ૧૦ ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
સ્થળાંતર અને રાહત-બચાવ કામગીરી
ચોમાસા દરમિયાન નાગરિકોની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. ૧ જૂન, ૨૦૨૬થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૮૫,૪૫૬ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૯,૮૨૨ લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ સ્થળાંતર દક્ષિણ ગુજરાતના નવસારી (૨૯,૧૯૮), વલસાડ (૨૨,૨૧૪) અને સુરત (૧૭,૯૯૨) જિલ્લાઓમાંથી કરવામાં આવ્યું છે. આપત્તિ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા રાજ્યમાં NDRFની ૧૦ ટીમો તથા SDRFની ૨૮ પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે, તેમજ ૪ NDRF અને ૫ SDRFની ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે.




