રાજ્યભરમાં લાંબા અને 35 દિવસના ઉનાળુ વેકેશનના વિરામ બાદ આજથી નવા શૈક્ષણિક સત્ર 2026-27 નો સત્તાવાર અને ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના દરવાજા આજથી વિદ્યાર્થીઓ માટે ખૂલી ગયા છે અને સ્કૂલ પરિસરો ફરી એકવાર માસૂમ બાળકોના કલરવ અને ઉત્સાહથી જીવંત બન્યા છે. શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ નવા ગણવેશ, નવા પુસ્તકો, નવી સ્કૂલ બેગ અને ઉજ્જવળ ભવિષ્યના નવા સંકલ્પો સાથે શાળાએ પહોંચતા એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ નવા સત્રને લઈને શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાઓનું સુવ્યવસ્થિત આયોજન જાહેર કરી દેવામાં આવ્યું છે.

શૈક્ષણિક કાર્ય, રજાઓ અને પ્રથમ સત્રનું ટાઈમટેબલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા શિક્ષણ વિભાગના શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આ વર્ષે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રજાઓ અને કાર્યદિવસોનું માળખું નીચે મુજબ રહેશે:
કુલ કાર્યદિવસો: નવા શૈક્ષણિક વર્ષના બંને સેમેસ્ટર (સત્ર) ના થઈને કુલ ૨૪૪ દિવસો નિર્ધારિત કરાયા છે, જેમાંથી સ્થાનિક રજાઓની બાદબાકી કરતાં કુલ ૨૪૦ દિવસો સુધી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય ચાલશે.
પ્રથમ સત્રનો સમયગાળો: આજથી શરૂ થયેલું પ્રથમ સત્ર આગામી ૪ નવેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે. આ પ્રથમ સત્ર દરમિયાન કુલ ૧૨૦ દિવસનું શૈક્ષણિક કાર્ય આયોજિત કરવામાં આવ્યું છે.
વર્ષ દરમિયાન રજાઓ: આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તહેવારો અને વેકેશન મળીને કુલ ૮૦ દિવસોની રજાઓ મળવાપાત્ર રહેશે.
સંપૂર્ણ અભ્યાસક્રમ અને બોર્ડ પરીક્ષાની મહત્વની તારીખો
કોરોના કાળ કે અન્ય વિષમ પરિસ્થિતિઓની અસરોમાંથી મુક્ત થઈને હવે શિક્ષણ વિભાગ પૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી રહ્યું છે.
100% સિલેબસ: ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષે કોઈપણ કાપ વિના સંપૂર્ણ (100 ટકા) અભ્યાસક્રમ અમલમાં રહેશે અને તે મુજબ જ પરીક્ષાઓ લેવાશે.
બોર્ડ પરીક્ષા 2027: બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર એ છે કે, આગામી વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની મુખ્ય પરીક્ષાઓ 25 ફેબ્રુઆરી 2027 થી શરૂ થઈ જશે.
શાળાકીય વાર્ષિક પરીક્ષા: ધોરણ ૯ અને ધોરણ ૧૧ ના તમામ પ્રવાહના (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ ૫ એપ્રિલથી ૨૦ એપ્રિલ ૨૦૨૭ દરમિયાન શાળા સ્તરે આયોજિત કરવામાં આવશે.
મોંઘવારીનો ડબલ માર: પુસ્તકોના ભાવ સ્થિર, પણ વાહન ભાડામાં ભડકો
નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં વાલીઓ માટે મિશ્ર સમાચાર આવ્યા છે. વૈશ્વિક સ્તરે કાગળના ભાવમાં જંગી વધારો થયો હોવા છતાં, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વાલીઓના હિતમાં એક પ્રશંસનીય નિર્ણય લેવાયો છે અને આ વર્ષે પુસ્તકોના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી, જે મોટી આર્થિક રાહત છે.
પરંતુ, બીજી તરફ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી (CNG) ના ભાવમાં થયેલા વધારાને આગળ ધરીને સ્કૂલ વાન અને રિક્ષા એસોસિએશનો દ્વારા વાલીઓ પર મોંઘવારીનો બોજ ઝીંકવામાં આવ્યો છે. સ્કૂલ વાહન ચાલકોએ માસિક ભાડામાં ૧૦% (આશરે ₹૧૫૦ થી ₹૨૦૦) સુધીનો તોતિંગ વધારો અમલી બનાવી દીધો છે, જેના કારણે વાલીઓનું બજેટ ખોરવાયું છે.
18 જૂનથી રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવ’
નવા સત્રના પ્રારંભની સાથે જ સરકારી શાળાઓમાં બાળકોના નામાંકન અને ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર સજ્જ બની છે. આગામી ૧૮ જૂનથી રાજ્યભરમાં પ્રશાસન અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં ભૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ અપાશે.



