ગુજરાતની 17 હજાર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો સરકાર સામે મોરચો, શાળા બંધનું આંદોલન

રાજકોટ: ગુજરાતમાં આશરે 17000 સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકોના સંગઠન મહામંડળે FRC કમિટી, ઝટિલ વહીવટી પ્રક્રિયા અને શિક્ષણ સુધારા વિધેયક 2026ની જોગવાઈઓ સામે મોરચો માંડ્યો છે. શિક્ષણ મંત્રી અને વિભાગમાં લાંબા સમયથી રજૂઆતના દોર બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના સંચાલકોનું સંમેલન મળ્યું હતું. આ સંમેલન પૂર્વે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રમુખ જતીનભાઈ ભરાડે પત્રકારોને જણાવ્યું હતું કે , ગુજરાતની 17000 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં 53 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અમારી પણ આ વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તેની જવાબદારી છે. હાલ સરકારમાંથી રોજ નવા નવા પરિપત્રો આવે છે તેના જવાબ આપવામાં અમારી ટીમનો વધુ સમય બગડે છે. 24 જેટલા પોર્ટલ છે તેમાં વિગતો અપલોડ કરવાની હોય છે. પ્રક્રિયા સરળ બનાવો.

અમારી મુખ્ય માગણી એ છે કે ફી રેગ્યુલેટ્રી કમિટી પાસે ફાઇલો ના ઢગલા પડ્યા છે. ફી માં નિયંત્રણ હોવું જોઈએ અમે માનીએ છીએ પણ આ કમિટીમાં માળખું જ નથી અને નાના કામની મંજૂરી માટે બહુ સમય લાગે છે.

મહામંડળના અધ્યક્ષ ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, શિક્ષણ સુધારા વિધેયકની જોગવાઇઓમાં અનેક વિસંગતતા છે. તે દૂર થવી જોઈએ. ગ્રાન્ટ ન લેતી શાળાઓમાં ભરતી માટે લાંબી પ્રક્રિયા છે. સરકાર સાથે અમારી રજૂઆત માટે સંવાદ કરવા તૈયાર છીએ પણ જો સરકાર આગળ નહીં વધે તો ડિસેમ્બર 2026માં અમે શાળા બંધ સહિતના એલાન સાથે આંદોલન કરીશું.

(દેવેન્દ્ર જાની – રાજકોટ )