સુરત: ગુજરાત સરકાર પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ વર્ષે મરાઠી માધ્યમના ધોરણ 7ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં સુરતની દીકરી અને “રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા” તરીકે ઓળખાતી અન્વી વિજય ઝાંઝરૂકિયા દ્વારા સંઘર્ષથી પ્રાપ્ત કરેલ સફળતા વિષે એક પ્રકરણ સમાવવામાં આવ્યુ છે.
અન્વી દિવ્યાંગ હોવાં છતાં યોગના 200 કરતાં વધુ આસનો કરી શકે છે. તે ભારતની એકમાત્ર વ્યક્તિ છે કે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ 2020, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2022 અને ગુજરાત ગરિમા એવોર્ડ 2022થી સન્માનિત કરવામા આવી છે. સમગ્ર ભારતના 14 જેટલાં પ્રખ્યાત લેખકોએ અન્વીના જીવન પર પોતાના પુસ્તકમાં વાર્તા લખી છે. અન્વી 14 જેટલાં વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અન્વીને પોતાના નિવાસસ્થાને બોલાવી તેનું વિશેષ સન્માન કર્યું હતું. તેમજ પોતાના પ્રખ્યાત “મન કી બાત” કાર્યક્રમમાં પણ અન્વીની યોગ ક્ષેત્રની અનન્ય સિધ્ધી વિષે વાત કરી હતી. અન્વી દ્વારા ગત જાન્યુઆરી માસમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યોગ પર્ફોમન્સ કર્યુ હતું. જે નિહાળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પણ પ્રભાવિત થયા હતા.
અન્વીની દિવ્યાંગતા છતાં પણ મક્કમ મનોબળ અને પરિવારના સહકાર દ્વારા પ્રાપ્ત કરેલ યોગ ક્ષેત્રની વિશેષ સિધ્ધીમાંથી અન્ય બાળકો પણ પ્રેરણા લઇ શકે, તેવાં હેતુથી ગુજરાત સરકાર પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ વર્ષે મરાઠી માધ્યમ ધોરણ 7માં પ્રથમ ભાષાના અજમાયશી પુસ્તકમાં અન્વીની પ્રેરણાત્મક જીવનયાત્રાનો એકમ તરીકે સમાવેશ કરવામા આવ્યો છે.
કદાચ આ પ્રથમ ઘટના હશે કે આટલી નાની ઉંમરની ગુજરાતની દીકરીની જીવનયાત્રાને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એકમ તરીકે સમાવવામા આવ્યું હોય અને સમગ્ર ગુજરાતના લગભગ તેની જ ઉંમરના વિદ્યાર્થીઓ તેની સંઘર્ષ અને પ્રેરણાત્મક જીવનયાત્રા વિશે અભ્યાસ કરશે.
અન્વીને પ્રાપ્ત થયેલ આ ઉચ્ચ સન્માન માટે તેના યોગ કોચ નમ્રતાબેન વર્મા અને ઝાંઝરૂકિયા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
(અરવિંદ ગોંડલિયા-સુરત)


