અમદાવાદ: યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ લાદવાની દરખાસ્ત સામે સમગ્ર રાજ્યના વેપારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF)ના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ ₹2,000થી ₹75,000 સુધીના UPI વ્યવહારો પર વેપારીઓ પાસેથી મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની દરખાસ્ત સામે સખત વિરોધ નોંધાવ્યો છે. GTFએ સ્પષ્ટ માંગ કરી છે કે રિટેલ અને હોલસેલ વેપારીઓને આ પ્રસ્તાવિત MDR વ્યવસ્થામાંથી સંપૂર્ણપણે મુક્ત રાખવામાં આવે.
GTFના જણાવ્યા અનુસાર, UPIએ ભારતની એક ગૌરવપૂર્ણ ડિજિટલ સિદ્ધિ છે, જેને સફળ બનાવવામાં દેશના નાના-મોટા વેપારીઓએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. રોકડમાંથી ડિજિટલ પેમેન્ટ તરફ વળેલા કરોડો વેપારીઓ પર લાખો-કરોડો નાના વ્યવહારો માટે MDR લાદવામાં આવશે, તો તેનાથી માત્ર નાણાકીય બોજ જ નહીં વધે પરંતુ ટ્રાન્ઝેક્શન-વાઇઝ કપાત, હિસાબ, રિકન્સિલિયેશન, રિવર્સલ અને ફરિયાદોના નિવારણ માટે એક અત્યંત જટિલ અને વિશાળ વહીવટી વ્યવસ્થા ઊભી કરવી પડશે.
આ સમસ્યાના ઉકેલ માટે GTFએ ‘ઇકોસિસ્ટમ-બેઝ્ડ ફંડિંગ મોડલ’ (Ecosystem-based Funding Model) નામના વૈકલ્પિક મોડલનો સુઝાવ આપ્યો છે:
-
લાભાર્થીઓનું યોગદાન: બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને UPIથી મોટો નાણાકીય લાભ મેળવતી સંસ્થાઓ પાસેથી તેમના ટ્રાન્ઝેક્શન વોલ્યુમ કે વેલ્યુના આધારે યોગદાન મેળવવું.
-
કેન્દ્રિય ઓટોમેટેડ ચાર્જ: મોટા સંસ્થાકીય, કોર્પોરેટ, બલ્ક અને હાઇ-વેલ્યુ ઓટોમેટેડ વ્યવહારો પર સિસ્ટમ દ્વારા જ સ્વચાલિત રીતે ખૂબ જ નાનું યોગદાન વસૂલવું.
આ પદ્ધતિથી કરોડો નાના વેપારીઓ પાસેથી નાની રકમ એકઠી કરવાના બદલે મર્યાદિત સંસ્થાકીય સ્તરેથી જ કેન્દ્રિય રીતે ફંડ એકત્ર થઈ શકશે, જે સંચાલનમાં ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ રહેશે. GTFએ ભારપૂર્વક જણાવ્યું છે કે UPIને વેપારીઓ માટે સરળ અને સંપૂર્ણપણે ચાર્જમુક્ત રાખવાથી જ દેશમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ વધુ મજબૂત બની શકશે.




