ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ ફાઈનલ રિપોર્ટ સોંપ્યો

ગાંધીનગર: રાજ્યમાં UCCના અમલીકરણ માટેનો આખરી અહેવાલ સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવી હતી. જેણે વિસ્તૃત અહેવાલના ત્રણ વોલ્યુમ ભૂપેન્દ્ર પટેલને મંગળવારે સોંપ્યો.સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત લઇને રિપોર્ટ તૈયાર કર્યો છે. લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલુ જ નહીં ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આ કમિટીની રચના 4 ફેબ્રુઆરી, 2025ના રોજ કરવામાં આવી હતી. આ કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ધર્મ, જ્ઞાતિના અગ્રણીઓ, કાયદાકીય નિષ્ણાતો અને સામાન્ય જનતાના અભિપ્રાયો મેળવ્યા હતા. 17મી માર્ચે  કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં આ અહેવાલ અંગે ચર્ચા થશે. જેના આધારે સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે.યુનિફોર્મ સિવિલ કોડ શું છે?

યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.