UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomyનો દરજ્જો મળ્યો

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા UGC (Categorisation of Universities [Only] for Grant of Graded Autonomy) Regulations, 2018 હેઠળ ગુજરાત યુનિવર્સિટીને ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ Category-II University તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આ સાથે જ, UGC Category-II Graded Autonomy અને તેના અનુસંગી લાભો મેળવનારી ગુજરાત યુનિવર્સિટી સમગ્ર ગુજરાતની પ્રથમ અને એકમાત્ર સ્ટેટ યુનિવર્સિટી બની છે.

નવા કોર્સ, આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી અને ODL માટે નિર્ણયની સ્વાયત્તતા

UGC તરફથી Category-II Graded Autonomy મળવાને કારણે હવે ગુજરાત યુનિવર્સિટીને શૈક્ષણિક અને વહીવટી ક્ષેત્રે મોટી સ્વાયત્તતા પ્રાપ્ત થશે. યુનિવર્સિટી હવે UGCની પૂર્વમંજૂરી વિના જ,

  • વર્તમાન માળખામાં નવા અભ્યાસક્રમો, વિભાગો, સ્કૂલો તથા વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે.
  • National Skills Qualification Framework (NSQF) મુજબ ઉદ્યોગસંલગ્ન તથા રોજગારલક્ષી નવા ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ રજૂ કરી શકશે.
  • મંજૂર થયેલા અધ્યાપકોની સંખ્યા ઉપરાંત ૨૦% સુધી લાયક વિદેશી અધ્યાપકોની કરાર આધારિત નિમણૂક કરી શકશે.
  • મેરિટના આધારે સ્થાનિક વિદ્યાર્થી ક્ષમતા ઉપરાંત ૨૦% સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.
  • ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) મારફતે પોતાના શૈક્ષણિક કાર્યક્રમોનો વ્યાપ વધારી શકશે.

વિકસિત ગુજરાત @૨૦૪૭ના સંકલ્પને મળશે બળ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

ગુજરાત યુનિવર્સિટીની આ ઐતિહાસિક સફળતા બદલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ યુનિવર્સિટી પરિવાર, અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું શિક્ષણ ક્ષેત્ર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની આ સિદ્ધિ ‘વિકસિત ગુજરાત @૨૦૪૭’ અને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં પાયાનો પથ્થર સાબિત થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ના અસરકારક અમલીકરણ અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક ગુણવત્તાનું આ પરિણામ છે, જેનાથી વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ, ઉચ્ચ સ્તરના સંશોધન, ઇનોવેશન અને રોજગારીની તકોમાં અભૂતપૂર્વ વધારો થશે.