રેંટિયા બારસ ­: શાળાના બાળકોને રેંટિયાનું નિદર્શન, કાંતતા શીખ્યા

અમદાવાદ: મહાત્મા ગાંધીજીનો જન્મ તારીખ મુજબ ૨જી ઓક્ટોબરે તિથિ મુજબ ભાદરવા વદ બારસના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ લોકો આ તિથિને ‘મોહન જયંતી’ કે ‘ગાંધી જયંતી’ તરીકે ઉજવે એવી માગણી થઈ હતી. જોકે, ગાંધીજીને પોતાની વર્ષગાંઠ એ રીતે જાહેર રૂપમાં ઉજવાય તે પસંદ નહોતું. એમને રેંટિયો અને ખાદી અત્યંત પ્રિય હોવાથી તેમણે પોતાની વર્ષગાંઠને ‘રેંટિયા બારસ’ તરીકે ઉજવવાની મંજૂરી આપી.ગાંધી જયંતીની ઉજવણીના આ સપ્તાહમાં ગાંધી પ્રેમી સંસ્થાઓએ રેંટિયા બારસની ઉજવણી કરી. જેમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ગુજરાત વિદ્યાપીઠના 1800 જેટલા વિદ્યાર્થીઓ અને 200 જેટલા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સેવકોએ અમદાવાદ શહેરની જુદી જુદી શાળાઓમાં ગયા. જ્યાં મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓને વૈષ્ણવજન પ્રાર્થના પછી રેંટિયો અને રેંટિયા બારસની સમજણ આપી. રેંટિયા પર કાંતણ કેવી રીતે કરાય..એનું નિદર્શન કર્યુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠના આ અનોખી ઉજવણીમાં ભાગ લઇ રેંટિયો કાંત્યો.ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શાળાઓમાં રેટિંયો કાંતી ગાંધી વિચાર અને રેંટિયાને જીવંત રાખવાનો આ એક અનોખો પ્રયાસ હતો. જેનાથી શાળાના વિદ્યાર્થીઓને રેંટિયાના નિદર્શન સાથે સ્વદેશી અને સ્વાવલંબનના વિચાર મળ્યા.

વર્ષ ૧૯૩૦ની દાંડીકૂચ વખતે ચંડોળા તળાવ પાસે અમદાવાદથી વિદાય લેતી વખતે ગાંધીજીએ સંદેશો આપ્યો હતો:
“તમે મારા ઉપર આટલો પ્રેમ બતાવો છો તે ત્યારે સાચો કહેવાય કે જ્યારે તમે ખાદીનું કામ કરો, પરદેશી કાપડ કાઢો, રેંટિયો ચલાવો અને બીજાને તે બધું કરવા પ્રેરો.”

સુતરને તાંતણે સ્વરાજ મળ્યા પછી ગાંધીજીના આ વિચાર દેશ અને દુનિયામાં હજુ પણ મજબુત રીતે પહોંચાડવાનો આ એક પ્રયાસ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)