30 સપ્ટેમ્બરે આ જિલ્લાઓમાં પલટાશે વાતાવરણ

રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. હાલમાં વિદાયની રેખા ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી હોવાથી વરસાદનું જોર ઘટી રહ્યું છે. આમ છતાં, વાતાવરણીય ફેરફારોને કારણે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

૩૦ સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા વધશે: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગાહી

હવામાન વિભાગના બુલેટિન મુજબ, ૨૯ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વિજળીના કડાકા-ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે. પરંતુ ૩૦ સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર વધવાની પૂરેપૂરી સંભાવના છે.

આ દિવસે નીચે મુજબના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી શકે છે:

કચ્છ અને ઉત્તર ગુજરાત: કચ્છ, બનાસકાંઠા (વાવ-થરાદ સહિત) અને પાટણ.

સૌરાષ્ટ્ર પટ્ટો: જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ.

દક્ષિણ ગુજરાત: સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારો.

૧ ઓક્ટોબરે પણ છૂટાછવાયા ઝાપટાં, ૨ ઓક્ટોબરથી હવામાન ચોખ્ખું થશે

૧ ઓક્ટોબરના રોજ પણ વરસાદની અસર ચાલુ રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર) અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

જોકે, મેઘરાજાની આ અંતિમ બેટિંગ બાદ ૨ થી ૪ ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. આ દિવસો દરમિયાન વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે અને તાપમાનમાં હળવો વધારો નોંધાઈ શકે છે.

દરિયાઈ સિસ્ટમની અસર

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઉત્તર આંદામાન સમુદ્ર અને મ્યાનમારના દરિયાકાંઠે સર્જાયેલું ‘ડીપ ડિપ્રેશન’ મ્યાનમાર તટ ઓળંગી ચૂક્યું છે. આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જેની આંશિક અસર હેઠળ ભેજવાળા પવનો આવતા રાજ્યના વાતાવરણમાં ક્ષણિક પલટો જોવા મળી રહ્યો છે.