ગુજરાતમાં ક્યારથી લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?

અમદાવાદઃ ઉત્તરાખંડ પછી હવે ગુજરાત દેશનું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારી શરૂ થઈ છે. રાજ્ય સરકારે સત્તાવાર રીતે UCC કમિટીની જાહેરાત કરી છે. આ કમિટી નાગરિકોમાંથી સૂચનો લેવા અને તેમની સલાહ જાણવા માટે કામ કરી રહી છે. થોડા સમય પહેલાં CM ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં UCC લાગુ કરવા અંગે મોટી જાહેરાત કરી હતી.

CMએ કમિટી સાથે કરી મહત્વપૂર્ણ બેઠક

UCCને લઈને આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી, જેમાં UCC કમિટીના બધા સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં રિપોર્ટના ડ્રાફ્ટ અને નાગરિકોમાંથી મળેલાં સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. કમિટીએ રાજ્યભરમાં નાગરિકો સાથે સંવાદ સાધી તેમના વિચારો સાંભળ્યા છે. અંદાજ છે કે આવનારા એક મહિનામાં આ કમિટી પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેશે અને શક્ય છે કે આ રિપોર્ટ ચોમાસુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવે. ત્યાર બાદ આવનારા છ મહિનામાં ગુજરાતમાં UCC લાગુ થવાની શકયતા છે.

UCC કમિટીની અધ્યક્ષ નિવૃત્ત જજ રંજના દેસાઈએ કહ્યું હતું કે કાયદો લાગુ કરવામાં હવે વધુ સમય નહીં લાગે. અમે દરેક જિલ્લામાં જઈ નાગરિકો સાથે વાતચીત કરી છે અને દરેક બેઠકનો રેકોર્ડ પણ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ 1.15 લાખથી વધુ સૂચનો કમિટીને મળ્યા છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે પણ પુષ્ટિ આપી છે કે CMએ આજે UCCને લઈને મહત્વપૂર્ણ બેઠક કરી છે અને એક મહિનાની અંદર રિપોર્ટ આપવામાં આવશે. સરકાર ચોમાસુ સત્રમાં બિલ રજૂ કરી શકે છે.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે?UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, એટલે કે એક દેશ, એક કાયદો. તેનો હેતુ એ છે કે ભારતના તમામ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક લેવામાં, સંપત્તિ અને વારસાની બાબતોમાં એકસરખો કાયદો લાગુ કરવામાં આવે, તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય. હાલમાં ભારતમાં વિવિધ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ લો છે.