તરુણ અવસ્થામાં શરીર સંબંધ બાંધવા બદલ થશે 10 વર્ષની જેલઃ હાઈકોર્ટ

અમદાવાદ– ગુજરાત હાઇકોર્ટે POCSO Actને લગતો અતિ મહત્વનો ચૂકાદો આપ્યો છે. તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને બાંધેલા શરીર સંબંધ બદલ લઘુત્તમ 10 વર્ષની જેલની સજા થશે.ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે નાની ઉંમરે સંમતિથી પણ સંભોગ કરો તો પણ કાયદો માફ નહીં કરે. કાયદામાં જ 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ ડિસ્ક્રીશન પણ રહેતું નથી. આવામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે.

હાઈકોર્ટે એ પણ નોંધ્યું છે કે નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ ‘સ્ટેટયૂટરી ગુના’ માટે 10 વર્ષની આકરી કેદ આજની પેઢીએ ના ભોગવવી પડે એ માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની છે. જાહેર હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોકસો એકટ બાબતે અને આ ગુનાઓની ગંભીરતા બાબતે અખબાર, પેમફ્લેટ, સાઈન બોર્ડ, રેડિયો અને ટેલિવિઝન પર બહોળી પ્રસિદ્ધિ કરીને જાગૃતિ ફેલાવે તે ખુબ જરુરી છે. જેથી બાળકો, વાલીઓ અને આમ જનતાને આ કાયદા અને તેની કડક જોગવાઈઓનું ભાન થાય. શાળાઓ અને કોલેજોમાં પણ જાગૃતિ અભિયાન કરવા કોર્ટે આદેશ આપ્યો છે. ગુજરાતમાં આ જાગૃતિ અભિયાન માટે રાજ્યના ચીફ સેક્રેટરી, ગૃહ સચિવ, માધ્યમિક શિક્ષણ સચિવ સહિતના તમામ જવાબદાર લોકોને પગલાં લેવા કોર્ટે આદેશ કર્યો છે.