પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ’ની ગુજરાત સાયન્સ સિટી ખાતે ઉજવણી

અમદાવાદઃ 20 જુલાઈ, 1969 મહત્વનો દિવસ હતો. તે દિવસે નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન “બઝ” એલ્ડ્રિને માનવ જાતિને મોટી સિદ્ધિ અપાવી હતી. 20 જુલાઇ, 1969 ના રોજ સવારે 3.00 વાગ્યે, નીલ આર્મસ્ટ્રોંગે ઇગલ લેન્ડર પરથી હળવાશથી પોતાને નીચે ઉતાર્યા હતા અને ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ બન્યા હતા. એ ઘટનાના 53 વર્ષ પછી યુનેસ્કોએ 20મી જુલાઈ 2022ના રોજ પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

ચંદ્ર ઉતરાણની વર્ષગાંઠ અને પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ’ની ઉજવણી કરવા અને બાળકોની કલ્પના અને સમજને સમૃદ્ધ બનાવવા માટે, ગુજરાત સાયન્સ સિટી (GSC) અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) SAC-ISRO અને વિજ્ઞાન પ્રસારના સહયોગથી એક શ્રેણીનું આયોજન કરી રહ્યા છે. 20મી જુલાઈ, 2022ના બુધવારે સવારે 10:30થી રાતના 8 વાગ્યા સુધી અત્રે સાયન્સ સિટી ખાતે અને સમગ્ર રાજ્યમાં સ્થાનિક  વિજ્ઞાન કેન્દ્રો અને કૉમ્યુનિટી સાયન્સ સેન્ટર પર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા માટે આકર્ષક કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ સાયન્સ સિટી ખાતે ‘ચંદ્રયાન’ મિશન પરની ફિલ્મનું નિદર્શન, SAC-ISROના અવકાશ વૈજ્ઞાનિકો સાથે લાઇવ વાર્તાલાપ, સ્પેસ-ઓન-વ્હીલ્સ પ્રદર્શન અને ચંદ્ર પર ‘વર્ચ્યુઅલ વોક-થ્રુ’નો અનુભવ કરશે.

વિદ્યાર્થીઓને ચંદ્ર પર તેમના વિચારો, કલ્પના અને સર્જનાત્મકતા લખવાની તક પણ મળશે. બધા ભાગ લેનારાઓને અવકાશયાત્રી હોવાની લાગણી સાથે સાથે VR સેટનો ઉપયોગ કરીને ચંદ્ર પર ચાલવાનો અનુભવ કરવાની તક પણ મળશે.