અમદાવાદમાં અમરનાથ દર્શન..

પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તિનું ચારેય તરફ મંદિર મહાદેવમાં ઘોડાપૂર આવ્યું. શિવભક્તોએ આખાય શ્રાવણ મહિના દરમિયાન જુદી જુદી રીતે ભક્તિ, આરાધના, અનુષ્ઠાન કર્યા. અમદાવાદના ત્રાગડ ગામના મંડળે આબેહુબ અમરનાથ મહાદેવ બરફથી તૈયાર કરી ભક્તોને દર્શન કરાવ્યા.

શહેરના ત્રાગડ વિસ્તારમાં નિરમા યુનિવર્સિટી રોડ, લલિતા ગોવિંદ ઉદ્યાનની સામે આવેલા બહુચર માતાના મંદિરના સંકુલમાં ભવ્ય અમરનાથ ધામ ઉભું કર્યું. શિવભક્ત જેન્સી પટેલ ચિત્રલેખા.કોમને કહે છે “શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી આ વર્ષે બહુચરાજી મંદિરના સંકુલમાં બરફના અમરનાથ દર્શન કરાવવાનું આયોજન કરાયું.”

એ કહે છે, “આબેહુબ બરફના અમરનાથના દર્શન કરાવવા સફેદ બરફની સાથે  રંગીન બરફની પાટોનો ઉપયોગ કર્યો. ગુફા તૈયાર કરી, બરફની જાળવણી માટે 200 કિલો મીઠાનો ઉપયોગ કર્યો. પરિસરની અનુભુતિ માટે લોખંડની પાઇપો સાથે રેલિંગ ઉભી કરી. સાડા ચાર ફૂટ ઉંચા બરફના શિવલિંગને ત્રિનેત્ર, ચંદ્ર, ઓમથી શણગારવામાં આવ્યું. રંગબેરંગી શણગારની સાથે ભગવાન શિવજીનું ચાંદીનું મુખારવિંદ પણ મુકવામાં આવ્યું છે.”

વધુમાં ઉમેરે છે કે “છેલ્લો સોમવાર હોવાથી  બરફના અમરનાથના દર્શન શિવભક્તો રાત્રે 9-00 વાગ્યા સુધી કરી શકશે.”

(પ્રજ્ઞેશ વ્યાસ)