વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના અંતમાં પૂરી થવાની શક્યતા: પાટીલ

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે રાજકારણમાં ગરમાટો આવ્યો છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે હાલમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 10થી 12 દિવસ વહેલી ચૂંટણી આવે એવી શક્યતા છે. વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં પૂર્ણ થવાના સંકેત પણ તેમણે આપ્યા છે. તેમણે કાર્યકરોને ચૂંટણી કાર્યમાં જોતરાઈ જવાનું આહવાન કર્યું હતું.

વર્ષ 2012 અને 2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી હતી. આ વખતે 10-12 દિવસો વહેલી આવે તેવું મારું માનવું છે. મને કોઈએ કહ્યું નથી, પણ હું કાર્યકરોને કહેવા માગું છું કે તેઓ દિવાળીમાં સુષુપ્ત ન થઈ જાય, એમ તેમણે કહ્યું હતું. પ્રદેશપ્રમુખ સીઆર પાટીલે આગામી ચૂંટણીને ધ્યાને રાખી કાર્યકરોને તૈયાર રહેવા માટે કહ્યું હતું 

તેમણે કહ્યું હતું કે  ચૂંટણીમાં પ્રત્યેક બેઠક 50, 000ની લીડથી જીતવા માટેનો રાખવામાં આવ્યો છે અને એ જીતીને જ રહીશું. કોરોના જેવી મહામારીમાં પણ વડા પ્રધાન દ્વારા દેશના છેવાડાના નાગરિકના નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશના 80 કરોડ નાગરિકોને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે રેવડી કલ્ચર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રેવડીવાળા વચનો આપે છે તે પૂરા કરવામાં જ રાજ્યના બજેટમાં ધનોતપનોત નીકળી જાય તેમ છે. હાલ લોકો જે રીતે મફતિયા વચનો આપી રહ્યા છે તે જોતાં વર્ષે દહાડે 41 હજાર કરોડ કરતાં પણ વધુની રકમ લહાણી પાછળ વપરાઈ જાય ત્યારે રાજ્યના વિકાસલક્ષી કાર્ય કરી શકશે નહીં.