રાજ્યના વિજ્ઞાન વિભાગને “બેસ્ટ પેવેલિયન એવોર્ડ” એનાયત

ગાંધીનગરઃ ગોવામાં યોજાયેલા IISF-2021માં રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને “બેસ્ટ પેવેલિયન એવોર્ડ” મળ્યો છે, જે રાજ્યના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને નીતિ ઘડવૈયાઓ માટે ખૂબ જ આનંદના સમાચાર છે. IISF-2021ની સાતમી આવૃત્તિનું આયોજન સાયન્સ તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય, ભારત સરકાર અને ગોવા સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું આયોજન 10-13 ડિસેમ્બર, 2021 દરમિયાન ઓનલાઇન તથા ઓફ્લાઇન માધ્યમથી કરવામાં આવ્યું હતું.

દેશમાંથી IISF-2021 કાર્યક્રમમાં 250 કરતાં વધુ સંસ્થાઓની ભાગીદારી તેમ જ  177 સ્ટોલ સાથે  મેગા સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રી એક્સ્પોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

GUJCOST દ્વારા સંકલિત અને ક્યુરેટેડ, DST ગુજરાત પેવેલિયન તમામ ઉંમરના લોકો માટે વિવિધ સર્જનાત્મક અને નવીન વિજ્ઞાન કાર્યક્રમો, પ્રચાર અને પ્રસાર તેમજ સંશોધન પ્રવૃત્તિઓ દ્વારા અજાયબી અને સામાજિક વિકાસ જવાબદારીની ભાવના કેળવીને કુદરતી વિશ્વની વધુ સારી સમજણ માટે ઉપયોગી બને એ રીતે બનાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીપ્રધાન જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અમે વિજ્ઞાન અને ટેકનોલોજી સુલભ અને સરળતાથી છેવાડાના માણસ સુધી ઉપલબ્ધ કરવા માટે કટિબદ્ધ છીએ. સરકારના વિજ્ઞાન એને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નેહરા સચિવે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે વિજ્ઞાન એને ટેક્નોલોજી, રાજ્યમાં નવીનતા શાસન અને સાહસનું સંકલન છે. વિજ્ઞાન એને પ્રૌદ્યોગિકી વિભાગ રાજ્યમાં વૈજ્ઞાનિક સમજ, વૈજ્ઞાનિક શિક્ષણ, સંશોધન અને વિકાસ માટે ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યો છે અને વૈજ્ઞાનિકો અને ઉદ્યમીઓને આત્મનિર્ભર ભારત માટેના વિવિધ પડકારોનો સામનો કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.