સ્વાઈન ફ્લૂ નિયંત્રણ માટે કેન્દ્રીય ટીમ ગુજરાતમાં, ભરવા માંડી મેડિકલ ઓફિસરની જગાઓ

અમદાવાદ- ઠંડીનું પ્રમાણ વધતાં ફેલાઈ રહેલાં સ્વાઈન ફ્લુ નિયંત્રણ માટે સરકારે શા પગલાં લીધાં તેવી હાઈકોર્ટની પૃચ્છા બાદ સરકાર દ્વારા વધુ સઘન કાર્યવાહી હાથ ધરી હતી. એક કેન્દ્રીય ટીમ આ સંદર્ભે ગુજરાતના સ્વાઈન ફ્લૂગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થિતિની જાણકારી હતી.

રાજયમાં સિઝનલ ફલુ રોગના નિયંત્રણ તથા રોગ ફેલાતો અટકાવવાની જનજાગૃત્તિ ના રાજય સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંઓની સમિક્ષા કરવા ભારત સરકારના આરોગ્ય વિભાગની ત્રણ સભ્યોની એક ટીમે રાજ્યની મુલાકાત લીધી હતી. આ ટીમમાં ભારત સરકારના નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલના ડૉ. અંકુર ગર્ગ (એપીડેમીયોલોજીસ્ટ), ડૉ. હેમલત્તા (માઈક્રોબાયોલોજીસ્ટ) તેમજ સફદરજંગ હોસ્પિટલ, દિલ્હીના ડૉ. અમિતકુમાર (પલ્મોનોલોજીસ્ટ) સભ્ય હતાં. આ ટીમે અમદાવાદ શહેર, વડોદરા અને ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી તેમજ કમિશ્નર ડૉ.જયંતી રવિએ રાજ્યના તમામ ડોકટરો, હેલ્થ સુપરવાઈઝર, આરોગ્ય કર્મચારી, આશા તથા ગ્રામ સંજીવની સમિતિ તેમજ મહિલા આરોગ્ય સમિતિના સભ્યો સાથે સેટકોમના માધ્યમથી સિઝનલ ફલુ ના આ રોગચાળા ના રોગ નિયંત્રણ, સર્વેલન્સ અને સમયસરની સારવાર માટે પરામર્શ કર્યો છે. જેમાં અન્ય વિષયોના નિષ્ણાત પણ હાજર રહ્યા હતા. આ સેટકોમમાં ફિલ્ડ કર્મચારીઓએ અને આશા બહેનો સાથે પ્રશ્નોત્તરી કરી આ રોગ અંગે તેમને જાગૃત કરવામાં આવેલ. તમામ સીવીલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ ઊપરાંત સિઝનલ ફ્લુના દર્દીઓની સારવાર કરનાર તમામ હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડ તેમજ આઈ.સી.યુ. ના સ્ટાફએ પણ સેટકોમમાં ભાગ લીધો આ સેટકોમમાં ભારત સરકારશ્રીના તજજ્ઞોએ તથા મેડીસીન, એન્સેથેસીયા અને પીડીયાટ્રીક વિભાગના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું

ડૉ. જયંતી રવિ એ વધુમાં જણાવ્યું કે સિઝનલ ફ્લુથી જાહેર જનતાએ ગભરાવવાની જરૂર નથી. આ અંગે કમિશ્નરશ્રી (આરોગ્ય) એ અપીલ કરતાં જણાવ્યું કે કોઇપણ વ્યક્તિને સિઝનલ ફલુ – તાવના લક્ષણો જણાય તો તેઓએ વિલંબ કર્યા વગર નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો અને ગાઈડલાઈન મુજબ ઓસેલ્ટામીવીર નામની દવા લેવી. વૃદ્ધ, પાંચ વર્ષથી નાના બાળકો અને અન્ય બિમારી જેવી કે ડાયાબિટીસ, બી.પી., હૃદય રોગ વગેરે ધરાવનાર વ્યક્તિઓએ ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં સિઝનલ ફલુ માટે શિયાળાની ઋતુની શરૂઆતથી રાજયનું સમગ્ર આરોગ્ય તંત્રએ ચોક્કસાઈથી કામકાજ કરવાનું શરૂ કર્યું હતું.રાજય સરકારના આરોગ્ય વિભાગની ક્રાઇસીસ મેનેજમેન્ટ ગૃપની મીટીંગ તા.૦૯.૦૧.૨૦૧૯નાં રોજ યોજવામાં આવી. અગ્ર સચિવશ્રી (આરોગ્ય) તેમજ કમિશ્નરશ્રી (આ.ત.સે.અને ત.શિ.) દ્વારા તમામ જિલ્લાના કલેકટરશ્રીઓ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય અધિકારીશ્રીઓ સાથે તા. ૦૬.૦૨.૨૦૧૯ નાં રોજ વિડીયો કોન્ફરન્સ મારફતે સિઝનલ ફ્લુ માટે સમીક્ષા કરવામાં આવી

તા.૧-૧-૨૦૧૯ થી તા૧૨.૦૨.૨૦૧૯ સુધી રાજયમાં કુલ ૧૪૬૩ દર્દીઓ સિઝનલ ફલુ માટે પોઝીટીવ મળેલ છે જેમાંથી ૮૪૯ દર્દીઓ સાજા થઇ ઘરે ગયેલ છે તથા ૫૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ ૫૫ દર્દીઓના સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

રાજ્યમાં દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં રાજ્યની હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. જેમાં કેપ.ઓસલ્ટામીવીર, ૭૫ મિગ્રાની ૯ લાખ થી વધુ, તેમજ નાના બાળકો માટે સીરપ ઓસલ્ટામીવીર૧૭૦૦૦ જેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે. આમ સમગ્ર રાજ્યમાં દવાની કોઈ દવાની કોઈ અછત વરતાતી નથી આ ઉપરાંત ૧૨.૬૯ લાખ જેટલા ટ્રીપલ લેયર માસ્ક પણ ઉપલબ્ધ છે.

ભારત સરકારની ટીમના ડૉ. અંકુર ગર્ગે જણાવ્યું કે રાજ્યમાં સિઝનલ ફ્લુના કેસો ની સંખ્યામાં વધારો એ સિઝનના કારણે હોઈ શકે છે. આ રોગ મુખ્યત્વે શિયાળા અને ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળતો હોય છે. તેઓએ તેમની રાજ્યની મુલાકાત બાદ અવલોકન વિષે જણાવ્યું કે રાજ્યમાં સિઝનલ ફ્લુના દર્દીઓની નિદાન તેમજ સારવાર માટે સુવિધાની કોઈ કમી જણાયેલ નથી. તથા રાજ્યમાં નિદાન માટે જે લેબોરેટરી સુવિધા ઉભી કરવામાં આવેલ છે તે પુરતી છે. તમામ જગ્યાઓએ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ સારવાર આપવામાં આવી રહી છે. ડૉ. ગર્ગ એ પણ જાહેર જનતાને સિઝનલ ફ્લુના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી. તેઓની સાથેના ડૉ. અમિત કુમારે આ રોગથી ભયભીત ના થતા તાત્કાલિક હોસ્પિટલ પહોચવા જાહેર જનતાને અપીલ કરી તદુપરાંત તેઓએ તમામ ડોકટરો, પેરા મેડીકલ સ્ટાફ અને નાગરિકોને વારંવાર હાથ ધોવા અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા જણાવ્યું.

રાજયમાં આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરોની સંખ્યા અંગે માહિતી આપતા માન. કમિશ્નરએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં મેડીકલ ઓફિસરની કુલ ૪૫૧૨ જગ્યાઓની સામે ૩૩૭૮ જગ્યાઓ ભરેલી છે અને ૩૦૦ થી વધુ જગ્યાઓ ભરવા માટે ની પ્રક્રિયા ચાલુમાં છે. વધુમાં દર મંગળવારે મેડીકલ ઓફિસર માટે વોક-ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવે છે. ડો .જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં ૧૬૪૫ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવનાર છે. જેના માટે કોમ્યુનીટી હેલ્થ ઓફિસર કે જે આયુષ અથવા સ્ટાફ નર્સ કક્ષાના અને આ માટે ખાસ તાલીમબદ્ધ હશે તેમને નિયુક્ત કરવામાં આવશે આ સેન્ટર ગ્રામ્ય લેવલે કાર્યરત થશે.