કોંગ્રેસેનો ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ થકી 125 બેઠકો જીતવાનો દાવો

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પણ સજ્જ થઈ છે. કોંગ્રેસે યાત્રાધામ સોમનાથ મહાદેવથી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ના પ્રારંભ કર્યો છે. ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ ભરત સોલંકીએ રાજ્યમાં ચૂંટણીમાં 125 સીટો જીતવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ઉજાગર કરવા યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રા થકી કોંગ્રેસ પક્ષનો એજન્ડા પ્રજાને માહિતગાર કરવાનો છે.

સોમનાથ મહાદેવના સાંનિધ્યથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં કાર્યકારી પ્રદેશપ્રમુખ અંબરીશભાઇ ડેર, ભૂતપૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા સહિત અને અનેક આગેવાનો જોડાયા હતા. આ યાત્રામાં સ્થાનિક કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કોંગ્રેસપ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જુદાં-જુદાં પાંચ સ્થળોએથી પરિવર્તન સંકલ્પયાત્રા કાઢવામાં આવી રહી છે. આ પાંચેય યાત્રા આગામી સાત દિવસ સુધી રાજ્યની 182 વિધાનસભા બેઠકોના વિસ્તારોમાં ફરશે.

ગુજરાત કોંગ્રેસે મધ્ય ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રા ફાગવેલથી શરૂ થ કરી છે, જે નવ જિલ્લામાં ફરશે. જે અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં ઝાલોદથી યાત્રાની શરૂઆત થઈ હતી. આ યાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અન્ય કોંગ્રેસના નેતાઓએ અંબાજી માતાનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. સોલંકીએ વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કાણોદર વડગામથી શરૂ થયેલી પરિવર્તન સંકલ્પ યાત્રા ઉત્તર ગુજરાતમાં ફરશે અને લોકોના આશીર્વાદ મેળવશે.

જોકે કોંગ્રેસે મોરબી દુર્ઘટનાને પગલે પરિવર્તન સંકલ્પ યાત્રા એક દિવસ મોકૂફ રાખી હતી.