દિવાળી એટલે રોશની, મીઠાઈઓ અને પરિવાર સાથે ગાળવાની રજાઓનો તહેવાર. ગુજરાતમાં દિવાળી અને ખાસ કરીને બેસતા વર્ષની રજાઓમાં લોકો માત્ર હિલ સ્ટેશન કે વિદેશ ફરવા જ નથી જતા, પરંતુ નવા વર્ષની શરૂઆત ઈષ્ટદેવના આશીર્વાદથી કરવા પવિત્ર યાત્રાધામો તરફ પણ વળે છે. આ પાંચ-સાત દિવસો દરમિયાન ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાં જાણે શ્રદ્ધાળુઓનો મેળો ભરાય છે. રસ્તાઓ પર ભારે ટ્રાફિક અને દર્શન માટે કલાકોની લાઈનો હોવા છતાં, ભગવાનના અન્નકૂટના દર્શન અને નવા વર્ષની મંગલ કામના માટે લોકોની શ્રદ્ધા જરા પણ ઓછો થતો નથી.
દ્વારકાધીશ મંદિર, દ્વારકા

નવા વર્ષના પાવન અવસરે ગુજરાતમાં કૃષ્ણ ભક્તિનો અનેરો મહિમા જોવા મળે છે. જગતમંદિર દ્વારકાધીશમાં દર્શનનું વિશેષ મહત્ત્વ છે, જ્યાં બેસતા વર્ષે આશરે 2.5થી 3 લાખ શ્રદ્ધાળુઓ ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરના દર્શને પહોંચે છે. મંદિરમાં ધરાવાતો ભવ્ય છપ્પન ભોગનો અન્નકૂટ અને “જય રણછોડ”નો નાદ કલાકોના થાકને સાર્થક બનાવે છે.
રણછોડરાય મંદિર, ડાકોર

અમદાવાદ અને વડોદરાથી નજીક હોવાથી ચરોતરના ડાકોર સ્થિત રણછોડરાય મંદિરમાં નવા વર્ષ અને ભાઈબીજે અંદાજે સાડાત્રણ લાખ જેટલા ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. “ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે”ના જયઘોષ સાથે ગોમતી તળાવનો કિનારો આસ્થાથી છલકાઈ જાય છે. અનેક પરિવારો માટે નવા વર્ષે ડાકોર દર્શને જવું એ વર્ષો જૂની પરંપરા છે.
અંબાજી માતાનું મંદિર, બનાસકાંઠા

શક્તિની આરાધનાના કેન્દ્ર સમાન ઉત્તર ગુજરાતના અંબાજી મંદિરમાં દિવાળીના દિવસોમાં જાણે માનવ સાગર ઉમટે છે. રોશનીથી ઝળહળતા મુખ્ય મંદિર અને ગબ્બર પર્વત પર દર્શન માટે રાજસ્થાન અને ગુજરાતભરમાંથી આશરે ચારથી પાંચ લાખ લોકો નવા વર્ષે અંબે માના ચરણે શીશ ઝુકાવે છે. રોપ-વે અને દર્શનની લાઈનોમાં ભલે લાંબુ વેઇટિંગ હોય, પણ ભક્તોના હોઠ પર માત્ર માતાજીનો જયજયકાર રમતો હોય છે.
સોમનાથ મહાદેવ, પ્રભાસ પાટણ (ગીર સોમનાથ)

સૌરાષ્ટ્રના સાગરકાંઠે બિરાજમાન બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરે પણ અનેરી રોનક હોય છે. નવા વર્ષે મહાદેવને શીશ ઝુકાવીને વર્ષભરની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરવા રોજિંદા અંદાજે દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ પ્રભાસ પાટણ પહોંચે છે. દરિયાકિનારાનો આહલાદક પવન અને મંદિરમાં ગુંજતો ‘હર હર મહાદેવ’નો નાદ ભક્તોને શાંતિનો અનુભવ કરાવે છે.
કષ્ટભંજન દેવ, સાળંગપુર

નવા વર્ષમાં આવનારા તમામ કષ્ટોને દૂર કરવાની મનોકામના સાથે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે પણ બેથી અઢી લાખ ભક્તો ઉમટી પડે છે. વિશાળ ‘કિંગ ઓફ સાળંગપુર’ ની પ્રતિમા અને સુંદર વ્યવસ્થા વચ્ચે ભક્તોની લાઈનો છેક હાઈવે સુધી પહોંચી જતી હોય છે. અન્નકૂટ અને દાદાના વિશેષ શણગારના દર્શન કરવા લોકો કલાકો સુધી શ્રદ્ધાળુઓ રાહ જોવે છે.
(હેતલ રાવ, અમદાવાદ)






