ભારત અને જાપાન વચ્ચે વર્ષ 2027માં રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી થનાર છે, ત્યારે તે પૂર્વે બંને દેશોના પરંપરાગત આરોગ્ય વારસાને જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરાયો છે.

‘અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ એક્ટિવિટી’ અંતર્ગત જાણીતા આયુર્વેદ નિષ્ણાત ડૉ. પ્રેરક શાહે જાપાનમાં ત્રણ આંતરરાષ્ટ્રીય પરિષદોને સંબોધિત કરી હતી.


ઓગસ્ટ 2026માં ટોક્યો ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં કીનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા બાદ, ઓક્ટોબરમાં તેમણે ‘ટેન્થ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ટ્રેડિશનલ મેડિસિન’ અને ‘વર્લ્ડ એજિંગ એન્ડ લોન્ગેવિટી કોન્ફરન્સ’માં સંબોધન કર્યું હતું.

વક્તવ્ય દરમિયાન તેમણે આયુર્વેદિક જીવનશૈલી (દિનચર્યા/ઋતુચર્યા) અને જાપાનીઝ ‘ઝેન’ દર્શન વચ્ચેના સામ્ય પર ભાર મૂકી સર્વાંગી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યનો માર્ગ દર્શાવ્યો હતો.


આ મુલાકાત દરમિયાન ડૉ. શાહે ‘આયુર્વેદ એસોસિએશન ઓફ જાપાન’ના પ્રમુખ સાથે દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી તેમજ ટોક્યોની ‘નિપ્પોન સ્કૂલ ઓફ આયુર્વેદ’માં ખાસ સત્ર યોજી સંશોધકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ પહેલથી હેલ્થકેર અને પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે બંને દેશોના શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બન્યા છે.




