કડીમાં ગાયે અડફેટે લેતાં ભૂતપૂર્વ નાયબ મંત્રી ઇજાગ્રસ્ત

કડીઃ મહેસાણાના કડીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. તેમની આગેવાનીમાં અહીં તિરંગા રેલીનું આયોજન થયું હતું. આ તિરંગા રેલી કડીના કરણપુર શાક બજાર પાસે પહોંચી ત્યારે રસ્તે રઝળતી એક ગાય આ રેલીમાં દોડી આવી હતી અને તેમને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ગાય દોડી આવી ત્યારે દોડાદોડી મચી ગઈ હતી  જેથી તેમને પગના ઢીંચણમાં ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેમને તાત્કાલિક સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એ પછી સારવાર કરી તેમને રજા આપી દેવામાં આવી હતી.

સ્થાનિક ડોક્ટરો દ્વારા નીતિનભાઈને આરામ કરવાનું કહીને રજા આપવામાં આવી હતી અને નીતિનભાઈ નિવાસસ્થાને નીકળી ગયા હતા. કડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નીકળેલી ત્રિરંગા યાત્રામાં કડી શહેરના આગેવાનો વિદ્યાર્થીઓ નગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીતિન પટેલએ રખડતા ઢોર અંગે કહ્યું હતું કે  હાલના તબક્કે ગૌચરનો અને રખડતા ઢોરનો પ્રશ્ન ઉચિત નથી. આવા બનાવો બનતા રહેતા હોય છે, આ સ્વાભાવિક ઘટના છે. લાખો પશુધનમાંથી કઈ ગાય ક્યાં ભટકાય એ નક્કી ના હોય. શહેર, ગામ કે રસ્તા પર શું બને એ નક્કી ના હોય. પશુધનને નિયંત્રણમાં રાખવું વ્યવહારિક રીતે શક્ય નથી. રખડતાં ઢોરને નિયંત્રણમાં રાખવા જરૂરી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.