શાહીબાગના ગ્રીન ઓર્ચિડમાં લાગેલી આગ પર કાબૂઃ એકનું મોત

અમદાવાદઃ શાહીબાગના ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. આ લાગવાને પગલે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ હતો. આ આગ લાગતાં ફાયરબ્રિગ્રેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.  જોકે આગ હલમાં કાબૂ હેઠળ છે. પ્રાથમિક રીતે આ આગ ગેસ ગીઝરને કારણે લાગી હોવાનો અંદાજ છે.  

આ બિલ્ડિંગના ફ્લેટમાં લાગેલી આગમાં ચાર સભ્યો દોડી આવ્યા હતા, પણ ઘરની એક સભ્ય કિશોરી ફસાઈ ગઈ હતી, જેને ફાયર બ્રિગ્રેડે ભારે જહેમત બાદ બહાર કાઢી હતી, પરંતુ એ કિશોરી ભારે દાઝી ગઈ હતી, જેનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શાહીબાગના ગિરધરનગર પાસે ગ્રીન ઓર્ચિડ બિલ્ડિંગના સાતમા માળે એક ફ્લેટમાં આગ લાગી હતી. જોકે આગ લાગતાં પરિવારના ચાર સભ્યો બહાર દોડી આવ્યા હતા, પરંતુ એક કિશોરી આ આગમાં ફસાઈ ગઈ હતી. જેને પછીથી ફાયર બ્રિગ્રેડે બહાર કાઢી હતી, પણ તેને બચાવી શકાઈ નહોતી.

ફાયર વિભાગે જણાવ્યા મુજબ આ ફ્લેટમાં જીરાવાલા પરિવાર રહે છે. ચાર સભ્યો પોતાની રીતે સહીસલામત બહાર આવી ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ગેસ ગીઝરમાં આગ લાગી હતી. જે બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને FSLની ટીમ દ્વારા આગ કયાં કારણોસર લાગી તેની તપાસ શરૂ થઈ છે.