ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કર્યા બાદ હવે રાજકીય માહોલ નવા મેયરની નિમણૂક પર કેન્દ્રિત થયો છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ ઓબીસી (OBC) વર્ગ માટે અનામત હોવાથી પક્ષની અંદર ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વર્તમાન સંજોગોમાં મેયરની રેસમાં મુખ્યત્વે બે નેતાઓના નામ મોખરે ચાલી રહ્યા છે: વોર્ડ નંબર-૧ ના મહેશ ચૌધરી અને વોર્ડ નંબર-૫ ના કનુભાઈ દેસાઈ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્પર્ધામાં હાલ મહેશ ચૌધરીનું પલડું ભારે મનાઈ રહ્યું છે. વ્યવસાયે બાંધકામ ક્ષેત્રે જોડાયેલા અને પાટનગરના જાણીતા ‘શિક્ષાપત્રી ગ્રુપ’ સાથે સંકળાયેલા મહેશ ચૌધરીના નામની વર્તુળોમાં સૌથી વધુ ચર્ચા છે. તેમની સામે વોર્ડ નંબર-૫ ના દાવેદાર કનુભાઈ દેસાઈ પણ પ્રબળ સ્પર્ધક છે. અગાઉ પક્ષના સંગઠનમાં મહામંત્રી તરીકેની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી ચૂકેલા કનુભાઈનો સંગઠનાત્મક અનુભવ તેમને મેયર પદની દાવેદારીમાં મજબૂતી પ્રદાન કરે છે.
હાલમાં ભલે આ બંને નામો ચર્ચાના કેન્દ્રમાં હોય, પરંતુ ગાંધીનગરના પ્રથમ અઢી વર્ષ માટે કયા OBC ઉમેદવાર મેયર બનશે તેનો આખરી નિર્ણય ભાજપના મોવડીમંડળ દ્વારા જ લેવામાં આવશે. પક્ષનું નેતૃત્વ કોના નામ પર પસંદગીનો કળશ ઢોળે છે તે જાણવા માટે આગામી સત્તાવાર જાહેરાત સુધી રાહ જોવી પડશે.




