ગણપત યુનિ. દ્વારા HR લીડરશિપ કોન્ક્લેવનું આયોજન

વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રીઝ ઇન-સાઇડ ધ યુનિવર્સિટી-ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીઝ વિષય પર તાજેતરમાં HR લીડરશિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ HR લીડરશિપ કોન્ક્લેવમાં દેશ-વિદેશમાંથી 300 જેટલા લોકો ઓનલાઇન જોડાયા હતા, જેમાં કંપનીઓના CEO, બિઝનેસ લીડર્સ, HR મેનેજર્સ, HR એક્ઝિક્યુટિવ્સ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ કોન્ક્લેવમાં યુનિવર્સિટી અને ઇન્ડસ્ટ્રીઝ સહિયારા પ્રયાસો દ્વારા જેતે બિઝનેસ સેક્ટરની જરૂરિયાત પ્રમાણે અભ્યાસક્રમો, વિવિધ પ્રકારના એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ, અપસ્કિલિંગ પ્રોગ્રામ્સ અને સંયુક્ત રીતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભા કરવા ઇનક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર્સ ઊભા કરવા તેમજ જેતે ઇન્ડસ્ટ્રીઝ માટે જરૂરી એવા HR સંબંધિત રિસર્ચનું આયોજન કરવા જેવા વિષયો પર ગંભીર અને અર્થસભર ચર્ચાઓ થઈ હતી.

યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ પ્રમુખ, મેઘમણિ ગ્રુપના ચેરમેન નટુભાઈ પટેલ, ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા સહિત અનેક સન્માનીય મહાનુભાવોની ઉપસ્થિતમાં ઓનલાઇન HR કોન્ક્લેવ ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ HR કોન્ક્લેવમાં HR નિષ્ણાતો દ્વારા કીનોટ એડ્રેસ અને બે પેનલ ડિસ્ક્શનમાં માનવ સંશાધન વ્યવસ્થાપનના વિવિધ પાસાંઓની વિશદ છણાવટ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓના ક્લારૂમ નોલેજને કેવી રીતે વિવિધ ઉદ્યોગો અને વેપારી સેવાઓની જરૂરિયાત પ્રમાણે કેળવવુંઅને તેમને નોકરી માટે યોગ્ય બનાવવા વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈએ જીવનના આદર્શો અને સિદ્ધાંતોને અભ્યાસક્રમોમાં સાંકળી લેવાની વાત પર ભાર મૂક્યો હતો, જ્યારે મેઘમણિ ગ્રુપના અધ્યક્ષ નટુભાઈ પટેલે કહ્યું હતું કે યુનિવર્સિટીએ ઉદ્યોગ-ક્ષેત્ર સાથે મળીને તાલીમ અને કૌશલ સાથેના માણસો તૈયાર કરવા જોઈએ. ઓસ્ટ્રેલિયા ફેડરેશન યુનિવર્સિટી-બ્રિસબેનના જેમ્સ રોફ્ફીએ ઇન્ડસ્ટ્રીઝ અને યુનિવર્સિટીની ભાગીદારી અને કોલોબોરેશન્સના વિવિધ ગ્લોબલ મોડલ્સ રજૂ કરી એના વિશે વાત કરી હતી. યુનિવર્સિટની ડો. કિશોર બારડની ટીમે કોન્ક્લેવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.