ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ સ્પષ્ટ બહુમતી સાથે મોટી જીત નોંધાવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત ઓખા અને થરા નગરપાલિકામાં પણ ભાજપે સત્તા હાંસલ કરી છે. આ શાનદાર જીત બાદ પાર્ટીના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ અને ઠેર-ઠેર જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો, અહીંના 11 વોર્ડની કુલ 44 બેઠકો પર યોજાયેલા ત્રિપાંખિયા જંગનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભાજપે 44માંથી 38 બેઠકો પર કબજો જમાવીને ગાંધીનગરમાં સત્તા જાળવી રાખી છે. પાર્ટીના નેતાઓ આ ભવ્ય વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસમંત્ર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચાણક્ય નીતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સક્ષમ નેતૃત્વ અને રણનીતિને આપી રહ્યા છે.
ગાંધીનગર ઉપરાંત અન્ય નગરપાલિકાઓના પરિણામો પણ ભાજપની તરફેણમાં રહ્યા છે. ઓખા નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે અને ત્યાં ભગવો લહેરાયો છે. બીજી તરફ, થરા નગરપાલિકાની 24 બેઠકોમાંથી 19 બેઠકો જીતીને ભાજપે સત્તામાં શાનદાર વાપસી કરી છે. અત્રે નોંધનીય છે કે, ગત 11 ઓક્ટોબરના રોજ આ ચૂંટણીઓ માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, ગાંધીનગર મનપામાં 59.25 ટકા અને ઓખા નગરપાલિકામાં 63.27 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. જ્યારે થરા નગરપાલિકાના મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં રેકોર્ડબ્રેક 81.18 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું.




