હાર્દિક પટેલ કાર્યકર્તાઓ સાથે બીજી-જૂને ભાજપપ્રવેશ કરશે

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ બીજી જૂને ભાજપમાં સામેલ થશે. ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલયમાં હાર્દિક પટેલ પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરશે. હાર્દિક બીજી જૂને ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના ગુજરાતના પ્રદેશાઅધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કરશે. હાર્દિકની સાથે 15,000 કાર્યકર્તા ભાજપમાં સામેલ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર હાર્દિક ભાજપમાં જોડાશે ત્યારે કોઈ કેન્દ્રીય નેતા પણ હાજર રહે એવી શક્યતા છે. વળી, હાર્દિક વિધાનસભાની ચૂંટણી પણ લડે એવી શક્યતા છે.

હાર્દિકે 18 મેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.  હાર્દિકે સોનિયા ગાંધીને સંબોધીને લખેલું રાજીનામું પોતાની સોશિયલ મિડિયા પ્રોફાઇલ્સ પર શેર કર્યું હતું. પટેલે પત્રમાં લખ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરથી માંડીને CAA-NRC મુદ્દો હોય કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાની હોય, એ મુદ્દે કોંગ્રેસે વિરોધ જ કર્યો છે, પણ સમાધાન માટે કંઈ નથી કર્યું. કોંગ્રેસનું વલણ મોદી સરકારનો વિરોધ કરવાનું જ રહ્યું છે. તેમણે હાલ પંજાબમાં એક લોકપ્રિય ગાયકની હત્યાના મામલે ત્યાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીની પણ ટીકા કરી હતી.
કોંગ્રેસમાંથી હાર્દિક પટેલે રાજીનામું આપતી વખતે પોતાને કાર્યકારી પ્રમુખનો હોદ્દો અપાયો હોવા છતાંય કોઈ પ્રકારની મહત્વની કામગીરી સોંપવામાં નથી આવી, કોંગ્રેસના ગુજરાતના નેતાઓ જ પક્ષ ચૂંટણી જીતે તેવું નથી ઇચ્છતા.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદારોને રીઝવવા માટે હાર્દિક પટેલ ભાજપ માટે મોટી ભૂમિકા ભજવી શકે છે. હાર્દિક સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સારું એવું વર્ચસ ધરાવે છે. જેથી ભાજપ હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપીને પાટીદારોને પોતાના તરફેણમાં કરી શકે છે.